ગોવાના સીએમ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનના નિધન પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપતા તેમને આધુનિક ગોવાના નિર્માતા ગણાવ્યા છે. ટ્વિટર પર મનોહર પર્રિકર સાથેની એક તસવીર પણ રજૂ કરતા પીએમ મોદીએ લખ્યું છે કે મનોહર પર્રિકર અદ્વિતિય નેતા હતા. એક સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક રહેલા પર્રિકરના સૌ કોઈ પ્રશંસક હતા. રાષ્ટ્ર માટે તેમના યોગદાનને પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેમના નિધનથી બેહદ દુ:ખી છું.
એક અન્ય ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યુ છે કે મનોહર પર્રિકર આધુનિકા ગોવાના નિર્માતા હતા. તેમના મિલનસાર વ્યક્તિત્વ અને દરેકને મળવાના સ્વભાવને કારણે તેઓ વર્ષોથી રાજ્યના સૌથી મોટા નેતા હતા. જનહિતની તેમની નીતિઓએ ગોવાની પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું.
પીએમ મોદીએ સંરક્ષણ પ્રધાન તરીકેના પર્રિકરના કાર્યકાળને યાદ કરતા લખ્યું છે કે ભારત ડિફેન્સ મિનિસ્ટર તરીકેના તેમના કાર્યકાળનું આભારી રહેશે. તેમના સંરક્ષણ પ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત સુરક્ષાને લને ઘણાં મહત્વના નિર્ણયોનું સાક્ષી બન્યું. ભૂતપૂર્વ સંરક્ષણકર્મીઓના જીવનની બહેતરી માટે તેમણે કામ કર્યું હતું.