Site icon Revoi.in

અમદાવાદ બીયુ પરમીશન મુદ્દે મનપાની કાર્યવાહીઃ 128 મિલકતો કરાઈ સીલ

Social Share

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં હાઈકોર્ટની ટકોર બાદ મનપા તંત્ર બીયુ પરમીશન મામલે સફાળુ જાગ્યું છે. તેમજ બીયુ પરમીશન વિના ધમધમતી ઈમારતોને સીલ મારવાની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન શહેરમાં બીયુ પરમીશન મુદ્દે 128 જેટલી રહેણાક અને કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ , મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન – પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ ,બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મનપાના પૂર્વ ઝોના હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ અને મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન – પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી. જેના ભાગરુપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગના અધિકારીઓ ગોમતીપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં .11 ( બાપુનગર ) ના ફાયનલ પ્લોટ નં. 31માં આવેલ લાલ મીલ પાસે આવેલ જુની ગંજી ફરાક એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન પરવાનગીએ કરેલ આશરે 1500 ચો.ફુટ બાંધકામો સીલ કરવા અને દબાણો હટાવવા ત્રાટક્યા હતા. આ કામગીરીમાં પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ , દબાણ વાન, ખાનગી મજૂરો , 03 ગેસ કટર મશીન તથા ગોમતીપુર પોલીસ સ્ટેશનની મદદ કરવામાં આવી હતી. તેમજ વહીવટી ચાર્જ પેટે રૂ. 35,000 પણ વસુલવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ફાયર સેફટી મુદ્દે પણ અગાઉ હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધો હતો. એટલું જ નહીં બિસ્માર રસ્તા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન બીયુ પરમીશન મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ મનપા તંત્રએ મનપાએ કાર્યવાહી હાથ ધરી છે.