ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ ખનીજચોરીનું દૂષણ જોવા મળી રહ્યું છે. ખનીજચોરી અટકાવવા પોલીસ ઉપરાંત રેવન્યુ વિભાગને પણ આદેશ કરાયા છે. ત્યારે કલોલના પ્રાંત અધિકારીએ પોલીસને સાથે રાખીને માણસા તાલુકાના અનોડિયા ગામે દરોડો પાડીને 18 જેટલી ટ્રકો અને બે હિટાચી મશીનો જપ્ત કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ માણસા તાલુકાના અનોડીયા ખાતે રાત્રી દરમિયાન ચાલતું રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું હતુ. કલોલના પ્રાંત અધિકારી ક્રિષ્ના વાઘેલા દ્વારા એસઓજી પીઆઈને સાથે રાખીને રાત્રે 3 વાગ્યે રેડ કરી હતી. જેમાં 18 ટ્રક અને બે હિટાચી તથા 2 હોડી જપ્ત કરાયા હતા. સમગ્ર મુદ્દે ભુસ્તર વિભાગને વિગતવાર રિપોર્ટ કરવા કહેવાયું છે. અનોડીયા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની વાતથી ભૂસ્તર તંત્ર પણ અજાણ નથી. ગેરકાયદેસર રેતી ચોરી ઉપરાંત કાયદેસરની લીઝ ઉપરથી પણ રાત્રીના સમયે રેતી ચોરી થતી હતી. જે અંગે સ્થાનિક ભૂસ્તર તંત્ર ઉઘતું રહ્યું હતું અને વાત છેક કલેક્ટર સુધી પહોંચી હતી.જેમાં કલેક્ટરના સીધા માર્ગદર્શનમાં રાત્રે 3 વાગ્યે પ્રાંત અધિકારી ક્રિશ્ના વાઘેલા પહોંચી ગયા હતા. એસઓજી પીઆઈ સહિતની ટીમને સાથે રાખીને પ્રાંત અધિકારીએ રેડ કરી હતી. જેમાં એક લીઝ પાસેથી 18 ટ્રક અને બે હીટાચી મળી આવતા જપ્ત કરાયા હતા. જ્યારે બીજી એક લીઝ પાસે પણ વાહનો જોવા મળતા ત્યાં પણ રાત્રે રેતી ચોરી થતી હોવાની શંકા વ્યક્ત થઈ હતી. જેને પગલે લીઝનો પણ રોયલ્ટી સહિતનો રિપોર્ટ કરવા ભૂસ્તર તંત્રને કહેવાયું હતું. મહિલા અધિકારી દ્વારા રાત્રે 3 વાગ્યે રેડ કરાયા બાદ વહેલી પરોઢે પાંચ વાગ્યા સુધી કામગીરી ચાલી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં અનેક સ્થળે રાત્રી સમયે રેતી ચોરી થતી હોય છે. જેમાં અધિકૃત અને બીન અધિકૃત જગ્યાઓ પરથી રેતી ચોરી થતી હોય છે. સામન્ય રીતે સાંજે છ વાગ્યા પછી રેતી ખનન પર પ્રતિબંધ રહેલો હોય છે. જેને પગલે અનેક લીઝ ધારકો ગેરકાયદેસર રીતે રેતી ચોરીને સ્ટોક પર રાખી દેતા હોય છે. જે બાદ રાત્રીના સમયે કેટલાક સ્ટોક પરથી રેતીની હેરાફેરી થતી હોય છે