નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધી રહ્યાં છે. કોરોનાના નવા વેરિએન્ટ બીએફ 7ને પગલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. તેમજ વિવિધ રાજ્યોની સરકારનો હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ સહિતની સુવિધા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે. દરમિયાન મંગળવારે સમગ્ર દેશની હોસ્પિટલોમાં કોરોનાને લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સફદરગંજ હોસ્પિટલમાં કોવિડ-19ને લઈને કરવામાં આવેલા મોકડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
સફદરગંજ હોસ્પિટલમાં પહોંચેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને લઈને સતર્ક રહેવા નિર્દેશ કર્યાં છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે અમારી પુરી તૈયારીઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશભરની ઘણી હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. મેં કોવિડ વોર્ડનું નિરીક્ષણ કર્યું, જેમ અહીં સિસ્ટમ છે, તે જ સિસ્ટમ બાકીની હોસ્પિટલોમાં છે. જો આગામી દિવસોમાં કોરોનાના કેસ વધશે તો આપણે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ.
ચીન સહિતના દુનિયાના અનેક દેશો હાલ કોરોના સંકટનો સામનો કરી રહ્યાં છે. ચીનમાં હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. તેમજ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં જગ્યા નથી. આ ઉપરાંત હોસ્પિટલોમાં પણ દવાઓની અછત સર્જાઈ છે. ભારત સરકારે ચીનને જરૂરી દવા પુરી પાડવાની તૈયારીઓ દર્શાવી છે. દેશમાં કોરોનાની રસી અને બુસ્ટર ડોઝને લઈને જરૂરી સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારોને જરૂરી દવાઓ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.