દિલ્હી:દેશમાં H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ)ને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે રીઅલ ટાઇમ આધાર પર IDSP નેટવર્ક દ્વારા રાજ્યોમાં કેસોનું નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝાના H3N2 પેટાપ્રકારના કેસોની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મંત્રાલયનો દાવો છે કે માર્ચના અંત સુધીમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં ઘટાડો થવાની ધારણા છે. આ સાથે જ મનસુખ માંડવિયાએ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે સરકારે કર્ણાટક અને હરિયાણામાં વાયરસના કારણે એક-એક મૃત્યુની પુષ્ટિ કરી છે, બાકીના ચાર લોકોના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મોત સામે આવ્યા છે. જો કે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે.
કર્ણાટકના હાસનમાં H3N2 વાયરસના કારણે એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. મૃતક દર્દીની ઓળખ એચ ગૌડા તરીકે થઈ છે. તેઓ 82 વર્ષના હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું. આ પછી તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. 6મી માર્ચે IA રિપોર્ટમાં H3N2ની પુષ્ટિ થઈ છે.