Site icon Revoi.in

ચીનમાં ભૂકંપના જોરદાર આંચકાથી અનેક ઈમારતો ધરાશાયી,અત્યાર સુધીમાં 46 લોકોના મોત 

Social Share

દિલ્હી:ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.આ જોરદાર ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે.બચાવ કાર્ય હજુ પણ શરૂ છે.

ચીનની સરકારી સમાચાર એજન્સીએ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટીથી 39 કિમી દૂર હતું અને અનેક ગામો ભૂકંપના કેન્દ્રની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં હતા.ભૂકંપના આંચકા સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદુમાં પણ અનુભવાયા હતા, જે ભૂકંપના કેન્દ્રથી 226 કિમી દૂર સ્થિત છે.

સિચુઆન પ્રાંત તિબેટની પડોશમાં આવેલો છે અને તે ભૂકંપ માટે સંવેદનશીલ છે.આ પ્રાંતમાં 2008માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 90,000 લોકો મૃત્યુ પામ્યા હતા. 2013 માં, પ્રાંતમાં 7 તીવ્રતાના ભૂકંપમાં 200 લોકો માર્યા ગયા હતા.કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ચેંગદુ લોકડાઉન હેઠળ છે.રહેવાસીઓને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને દરેક ઘરની બહાર માત્ર એક વ્યક્તિને આવશ્યક વસ્તુઓ ખરીદવાની મંજૂરી છે.