ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યાઃ રાષ્ટ્રપતિજી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ આજે દેશની પ્રથમ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે રાષ્ટ્રપતિજીએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ ગુજરાતના સપૂતોએ ગુજરાત અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ સંબોધનની શરુઆત ઉમાશંકર જોશીની કવિતાથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની પાવનભૂમિ પર આવવુ એ મારા માટે સુખદ અનુભવ છે. ગુજરાતે હંમેશા રાજ્યની સાથે દેશના ઉજળા ભવિષ્ય માટે કામગીરી કરી છે. આ વિધાનસભામાં અનેક સરાહનીય કામગીરી થઈ છે. હવે લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશનથી વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં વધારે પારદર્શીતા આવશે. રાજ્ય સરકારે પ્રજાને આરોગ્ય, વીજળી અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા પુરી પાડી છે. શહેરી વિસ્તારો ઉપર ગ્રાણીણ વિસ્તારોમાં તમામ સુવિધાઓ પ્રજા સુધી પહોંચી છે. તેમણે જણાવ્યુ કે, ગુજરાતે ન માત્ર મનુષ્ય પરંતુ પશુ કલ્યાણ માટે કામ કર્યુ છે. જે જોઇને પ્રસન્નતા થાય છે. તેમણે કહ્યુ કે આ ગૃહમાં મહિલાઓનું પ્રતિનીધિત્વ જોઇને પણ મને આનંદ થઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા હવે પેપર લેસ બની છે. નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ-લેપટોપ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની ઝંઝટ રહેશે નહીં.