Site icon Revoi.in

રાજકોટમાં ડ્રેનેજ, રોડ, લાઈટ અને પાણી ભરાયાની અનેક ફરિયાદો છતાયે ઉકેલ નહીં

Social Share

રાજકોટઃ શહેરમાં સપ્તાહ પહેલા જ પડેલા ભારે વરસાદ બાદ હજુપણ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. રોડ પર ઠેર ઠેર ખાંડા જોવા મળી રહ્યા છે. શહેરના તમામ વોર્ડમાં ટ્રેનેજની સમસ્યા જોવા મળી રહી છે. આ ઉપરાંત રોડ પર બંધ સ્ટ્રીટ લાઈટ્સ અને પાણીના નિકાલની પણ ફરિયાદો ઊઠી છે. મ્યુનિ.કોર્પોરેશનને ઢગલાંબંધ ફરિયાદો મળી છે. પણ એનો નિકાલ ન કરાતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ નાગરિકો સત્તાધારી ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓને પ્રશ્નોની રજુઆતો કરવા માટે જાય ત્યારે કોર્પોરેટરો અને પદાધિકારીઓ મળતા નથી. કારણ કે પાર્ટી દ્વારા સદસ્યા અભિયાનમાં ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ વ્યસ્થ હોવાને લીધે નાગરિકોના પ્રશ્નોનું ધ્યાન આપી શકતા નથી.

રાજકોટમાં વરસાદે વિરામ લીધાને એક સપ્તાહ પૂર્ણ થયું છતાં હજુ પણ શહેરના 1થી 18 વોર્ડમાં પ્રજાને અનેક સમસ્યા સતાવી રહી છે. શહેરમાં રોડ પર ઠેર-ઠેર ખાડા પડ્યા છે. અને ગટરો ઉભરાઇ દુર્ગંધ યુક્ત પાણી બહાર આવી રહ્યું છે. લોકો ફરિયાદો કરી રહ્યા છે. પણ ફરિયાદોનો ઉકેલ ત્વરિત આવી શકતો નથી. નેતાઓ કાગળ ઉપર કામગીરીની સૂચના આપી એક સપ્તાહમાં નિકાલની વાતો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નેતાઓ તો હવે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત બની ગયા છે અને પ્રજા અનેક સમસ્યાથી ત્રસ્ત થઇ ગઇ છે.

શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લઇ લીધો છે અને વરસાદે વિરામ લેતાની સાથે આરએમસીના અધિકારીઓ, અને પદાધિકારીઓએ રોડ રસ્તા પરના ખાડા, સાફ સફાઈ, ગટર સહિતના પ્રશ્નો હલ કરી દેવા આશ્વાસન આપ્યું હતું. પણ હજુ કામગીરી કરવામાં આવી નથી.  શહેરમાં કુલ 18 વોર્ડનો સમાવેશ થાય છે અને તમામ 18 વોર્ડમાં ડ્રેનેજની ફરિયાદો સૌથી વધુ ઉઠી રહી છે. રાજમાર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે મ્યુનિના નેતાઓ આ સમસ્યાઓ ઉકેલવા માટે લોકોની વ્હારે જવાના બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત બની ગયા છે.

શહેરના શીતલ પાર્ક, ગાંધીગ્રામ, બજરંગવાડી, મોરબી હાઉસ, સ્ટેશન રોડ, પોપટપરા વિસ્તાર, રેલનગર, કોઠારીયા, હુડકો, ભોમેશ્વર, એરપોર્ટ રોડ, સહીત તમામ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા, સફાઈ, ગંદકી, ગટર ઉભરાવવા તેમજ ગટરનું પાણી પીવાના પાણી લાઈનમાં ભળી જવા સહિતની ફરિયાદો ઉઠી રહી છે. એટલું જ નહિ રાજકોટનું પોપટપરા ગરનાળું અને રેલનગર અન્ડરબ્રિજમાં હજુ પણ વગર વરસાદે પાણી ભરેલા છે અને વાહનચાલકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મ્યુનિના ચોપડે ડ્રેનેજ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની અને સફાઈની વધુ ફરિયાદો નોંધાઇ છે, જેમાંથી ડ્રેનેજની સૌથી વધુ ફરિયાદોનો હજુ નિકાલ આવ્યો નથી.