રાજકોટઃ ગુજરાતભરમાં હનુમાનજીના તમામ મંદિરોમાં આજે હનુમાન જ્યંતીની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી. અનેક શહેરોમાં હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં રામનાથપરા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામનવમીના દિવસે વડોદરામાં બનેલી ઘટનાને પગલે રાજકોટ પોલીસ ખૂબ સતર્ક જોવા મળી હતી. સઘન બંદોબસ્ત સાથે શોભાયાત્રાનાં રૂટ પર ડ્રોન કેમેરાની મદદથી સતત ચેકિંગ કરવામાં આવ્યું હતુ. હનુમાનજીની શોભાયાત્રામાં ‘જય શ્રીરામ’ના નારા ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
હનુમાન જયંતિ નિમિત્તે આજે રાજકોટ શહેરમાં રામનાથપરા ખાતેથી ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં તાજેતરમાં વડોદરામાં બનેલ અઘટીત ઘટનાને લઈ રાજકોટમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી શોભાયાત્રાના રૂટ ઉપર સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચસ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના અધિકારીઓ તેમજ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરા તેમજ સીસીટીવીની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
અ ઉલ્લેખનીય છે કે, વડોદરા તેમજ ઉનામાં બનેલી ઘટના બાદ સ્ટેટ આઈબી દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટના આધાર પર આજે નીકળનારી તમામ શોભાયાત્રામાં તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આદેશો કરવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી આજે રાજકોટમાં પણ શોભાયાત્રા દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો. બીજી તરફ આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાતા કોમી એખલાસનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.