બનાસકાંઠાના વખા ગામના અનેક પરિવાર મઘા નક્ષત્રના વરસાદી જળનો સંગ્રહ કરી આખુ વર્ષ કરે છે ઉપયોગ
અમદાવાદઃ વર્ષાઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબ જ મહત્ત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે ‘મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય’એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બૂઝાઈ જાય છે. જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે. મઘા નક્ષત્રનું વરસાદનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ કરી શકાય છે. કહેવાય છે કે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાની તોલે ગણવામાં આવે છે.
પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં કીડા પડતા નથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કચરો હોય તો તે સાફ થઈ જાય છે. મઘાનું પાણી ગંગાજળના સમાન છે. તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નથી. જો તમારા ઘરમાં ભૂગર્ભ ટાંકું ન હોય તો પણ હજાર કે બે હજાર લિટરની પાણીની ટાંકી વસાવીને તેમાં વરસાદનાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. તેમાં દૈનિક રસોઈ રાંધવાથી રસોઈ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામનો પરિવાર કે જે છેલા ઘણા વર્ષો થી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલ છે. તેમને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પાસે થી પ્રેરણા મળી હતી, આ પૃથ્વી પરના જેટલા પણ જળ છે તે પૈકીનો ઉત્તમ જળ એટલે ગંગાજળ એમ મઘા નક્ષત્રનો જળ એ ગંગાજળ સમાન છે. જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ ગુણકારી છે. આ પ્રેરણા મળતા આ પરિવાર એ પોતાના કંપાઉન્ડવોલમાં 15000 લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનાવી છે. જેમાં મકાનની છત ઉપરથી ચોમાસા દરમિયાન મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે છે તેનું તે પાણી ટાંકીમાં સંગ્રહ કરે છે અને વર્ષ દરમિયાન રસોઈ અને પીવામાં તેનો ઉપયોગ કરે છે. આ જોઈ તેમના ગામના બદાભાઈ માળી એ પણ 20000 લીટર ની ક્ષમતા ધરાવતી પાણી ની ટાંકી બનાવી છે. આજે ગામના અનેક પરિવારો સહિત સગા સંબંધીઓ પણ પોતાના પરિવારમાં વરસાદી પાણી નું સંગ્રહ કરી ઘર વપરાશમાં ઉપયોગ કરતા થયા છે.