- વીજબિલો ન ભરતા 85000 ગ્રાહકોના 230 કરોડ બાકી,
- સામાન્ય લોકોના જોડાણો કાપતી વીજ કંપની સરકારી વિભાગો સામે લાચાર,
- MGVCL દ્વારા નાટિસો ફટકારી, હવે કડક ઉઘરાણી કરાશે
વડોદરાઃ સૌરાષ્ટ્રની જેમ મધ્ય ગુજરાતમાં પણ 85000 વીજગ્રાહકો એવા છે, કે જેમના 230 કરોડ રૂપિયા વીજબિલના બાકી બોલે છે. જેમાં કેટલીક સરકારી કચેરીઓનો પણ સમાવેશ થયા છે. સામાન્ય વીજ ગ્રાહકો મામૂલી રકમ બાકી હોય તો પણ વીજ બિલ નિયમિત ભરતો હોય છે ત્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને ખાતાંઓ વીજ બિલ ભરવામાં ભારે આળસ અને લાપરવાહી દાખવતા હોય છે. ગત સપ્તાહમાં સમા મામલતદાર કચેરીની રૂા.3.66 લાખની વીજબિલની રકમ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપી નાખ્યું હતું. તેવી જ રીતે મધ્ય ગુજરાતના વિવિધ સરકારી વિભાગો સહિતના 85,525 વીજ ગ્રાહકો પાસેથી MGVCL વીજ બિલના બાકી રૂા.230 કરોડ લેવાના નીકળે છે.
MGVCL વીજ કંપનીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વીજ કંપની ગ્રાહકોને વીજ પુરવઠો કોઈ પણ પ્રકારની અડચણ વિના મળી રહે તે માટે સતત પ્રયાસ કરે છે. જોકે કેટલાક સરકારી વિભાગો વીજ બિલ ભરવાની ઉપેક્ષા કરી રહ્યા છે, જેને કારણે વીજ કંપનીની મોટી રકમ હાલ અટવાઈ ગઇ છે. જે સરકારી વિભાગો અને વીજ ગ્રાહકોની બાકી રકમ છે તેમને નોટિસ આપવાનો તબક્કો પતી ગયો છે એટલે આ સંબંધમાં હવે કડક ઉઘરાણી માટેની ગતિવિધિ તેજ કરવામાં આવશે, જેથી વીજ કંપનીની ફસાયેલી રકમ મળી શકે.
રાજ્યમાં વીજ વિતરણ કંપનીઓને વિવિધ નગરપાલિકા અને નગર પાલિકાઓ પાસેથી રૂા.243.44 લાખ જેટલી વસૂલવાની થાય છે. જે કુલ બાકી વીજબિલની રકમનો મોટો હિસ્સો હોવાનું વીજ કંપનીનું અનુમાન છે. જોકે સરકારે પેન્ડિંગ બિલ તરત ભરી દેવા નગર પાલિકાઓને આદેશ કર્યો છે. જો સમયસર ચુકવણી ન થાય તો શક્ય છે કે કેટલીક જગ્યાએ અંધારપટ જોવા મળે. સામાન્ય રીતે કોઈ પણ વીજ ગ્રાહકનું બિલ ન ભરાય તેવા સંજોગોમાં તે ગ્રાહકને વીજ કંપની દ્વારા નોટિસ આપવામાં આવે છે. નોટિસનો જવાબ ન મળે તો 15 દિવસ બાદ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાય છે. તેવી જ કાર્યવાહી સરકારી કચેરીઓના કિસ્સામાં થાય તેવી શક્યતાઓ છે.