ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનર સહિત અનેક મહત્વની જગ્યાઓ ખાલી, શહેરનો રૂંધાતો વિકાસ
ભાવનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણા સમયથી કમિશ્નર સહિત અનેક જગ્યાઓ ખાલી છે, જેને લીધે શહેરના વિકાસ પર અસર પડી રહી છે. મ્યુનિ.ના મોટાભાગના અધિકારીઓ ડબલ જવાબદારી સંભાળી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય અધિકારી એવા કમિશનરની જગ્યા જ છેલ્લા છ મહિનાથી ખાલી હોવા છતાં સ્થાનિક નેતાગીરીએ કોઈ રજુઆત કરવાની ફુરસદ પણ લીધી નથી. રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાધાણી ભાવનગરમાંથી ચૂંટાયેલા છે. મ્યુનિ.કોર્પોરેશનમાં પણ ભાજપની સત્તા છે. છતાં નેતાગીરીની નિષ્ક્રિયતાને કારણે અધિકારીઓની ખાલી જગ્યાઓ પુરાતી નથી. અને તેના લીધે વિકાસના કામો ખોરંભે પડ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના અન્ય શહેરોનો જે રીતે વિકાસ થયો છે. એવો ભાવનગરનો વિકાસ થયો નથી. શહેર કે જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. જિલ્લામાં રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે. ભાવનગર શહેર તો મોટા ગામડાં જેવું જ ભાસી રહ્યું છે. રોડ-રસ્તાના કોઈ ઠેકાણા નથી. રસ્તાઓ પણ પશુઓના ધણ ઠેર ઠેર બેઠેલા જોવા મળી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનમાં મહત્વની જગ્યાઓ ખાલી છે. મ્યુનિમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી એટલે કે, છ મહિનાથી કમિશનરની જગ્યા ભરાતી નથી. કલેક્ટરને ચાર્જ સોંપાયો છે અને તેઓ બન્ને જવાબદારી નિભાવે છે, એટલે કામના ભારણને લીધે પુરતુ ધ્યાન આપી શક્તા નથી. 6 મહિનાથી મ્યુનિ.કમિશનર જેવી અતિ મહત્વની જગ્યા ખાલી છે પરંતુ સાથો સાથ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા એવી સીટી એન્જિનિયરની જગ્યા પણ 1લી જુલાઈથી ભરાતી નથી. જોકે, એક મહિના પહેલા પણ ઇન્ચાર્જ થી જ રોડવવામાં આવતું હતું પરંતુ એક મહિનાથી વિવાદોને કારણે સીટી એન્જિનિયરનો ચાર્જ પણ કોઈ અધિકારીને સોંપાતો નથી. તેવી જ રીતે ડેપ્યુટી કમિશનર જનરલ, ચિફ ફાયર ઓફિસર, EDP મેનેજર, રોશની, એસ્ટેટ, અર્બન મેલેરિયા, ટ્રાન્સપોર્ટ, ટાઉન ડેવલપમેન્ટ, ટાઉન પ્લાનિંગ, લીગલ અને યુ.સી.ડી. જેવી મહત્વની જગ્યાઓ પણ ઈન્ચાર્જથી ચલાવાય છે. ડેપ્યુટી કમિશનર એડમિનને તો વળી ત્રણ ત્રણ જવાબદારી સોંપવામાં આવી છે. આમ મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર એકદમ કથળી ગયું છે. જને સુધારવાની કોઈ પ્રજાના પ્રતિનિધિને પણ પડી નથી. કોર્પોરેશનમાં હાથમાં તેના મોમાં ની જેમ વહીવટ ચાલી રહ્યો છે જેથી પ્રજાને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનમાં અનેક ડિપાર્ટમેન્ટ કે જગ્યા એવી છે કે જે વર્ષોથી ખાલી છે અને અન્ય અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેથી એક અધિકારીને અનેક જુદી જુદી કામગીરી કરવાને કારણે તેની કામ પર પણ વિપરીત અસર પડી રહી છે. ડેપ્યુટી કમિશનર એડમિનને જનરલની અને હવે સીટી એન્જિનિયરની ફાઇલોમાં સહી પણ કરી જવાબદારીમાં ફિક્સ થઈ રહ્યા છે. તેમજ વેટરનરી ઓફિસરને ચિફ ફાયર ઓફિસર અને યુઆઈડી તેમજ વસતી ગણતરીની પણ કામગીરી સોંપવામાં આવી છે. સોલિડ વેસ્ટના લિયન ધરાવતા અધિકારીને આસિસ્ટન્ટ કમિશનરનો ચાર્જ ઓછો લાગતો હતો ત્યાં એસ્ટેટ ઓફિસરનો પણ ચાર્જ સોંપાયો, વહિવટી અધિકારીને પોતાના કામનો ઓછો વહીવટી લાગતો હોય તેમ યુસીડીનો પણ વહીવટ સોંપ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના વડા તરીકે સીટી એન્જિનિયર હોય છે. કે જે તમામ ટેક્નિકલ બાબતોના નિષ્ણાંત હોય જેથી વિકાસ કામો પૂર્ણ પણે ગુણવત્તાયુક્ત અને નિયમાનુસાર થઇ શકે. પરંતુ છેલ્લા એક મહિનાથી તો કોર્પોરેશનમાં સીટી એન્જિનિયરની ખુરશી જ ખાલી છે. આમ અધિકારીની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી હોવાથી શહેરનો વિકાસ રૂધાય રહ્યો છે.