- કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર સિવનનું નિધન
- 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
કેરળ : જાણીતા ફોટોગ્રાફર અને ફિલ્મકાર સિવનનું ગુરુવારે નિધન થયું છે. તે 89 વર્ષના હતા. તેમના પરિવારના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. ફિલ્મ નિર્માતા સંગીત સિવન, સંતોષ સિવન અને સંજીવ સિવન તેમના પુત્રો છે. જાણીતા ફિલ્મ નિર્દેશક સંગીત સિવને ફેસબુક પર લખ્યું કે તમને બધાને જણાવતા ખુબ જ દુઃખ થાય છે કે, મારા પિતા સિવને આજે અંતિમ શ્વાસ લીધા છે.
તેમને એક પુત્રી સરિતા રાજીવ પણ છે. 1959 માં તેમણે તિરુવનંતપુરમ સ્ટેચ્યુ જંક્શન ખાતે ‘સિવન સ્ટુડિયોઝ’ ની સ્થાપના કરી, જે ખૂબ જ લોકપ્રિય અને સાંસ્કૃતિક બાબતો માટેનું પ્રખ્યાત કેન્દ્ર હતું. સિવન કેરળના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર હતા. તેમણે 1965 માં રિલીઝ થયેલી ક્લાસિક મલયાલમ ફિલ્મ ‘ચેમ્મીન’ માટે ફોટા ક્લિક કર્યા હતા.
તેમણે 1991 માં આવેલી ‘અભયમ’ નું દિગ્દર્શન કર્યું હતું, જેણે સર્વશ્રેષ્ઠ બાળ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલા, વિધાનસભા અધ્યક્ષ એમ.બી. રાજેશ અને અન્ય નેતાઓએ સિવનના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
Thank you Dad for everything! Difficult to imagine a world without you but we will continue to trudge d path you have paved for us, safe in d knowledge that u would b guiding us from your place in the clouds & stars. Forever indebted. #OmShanthi #Sivan pic.twitter.com/fx7eGOynGw
— Sangeeth Sivan (@sangeethsivan) June 23, 2021
મુખ્યમંત્રી વિજયને પોતાના શોક સંદેશામાં કહ્યું કે, સિવન ફિલ્મ જગતમાં તેમની સિનેમેટોગ્રાફી પ્રતિભાને કારણે એક જાણીતું નામ હતું. વિધાનસભાના અધ્યક્ષ એમ.બી. રાજેશે કહ્યું કે, તિરુવનંતપુરમના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર હોવાને કારણે તેમણે અનેક એતિહાસિક પળોને પોતાના કેમેરામાં કેદ કરી લીધી.