અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે તેમના મંત્રીમંડળના 16 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં હતા. જેમાં છ કેબિનેટ કક્ષાના, બે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આઠ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં આઠ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ મંત્રીમંડળમાં ચર્ચાતા અનેક સિનિયર નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજય બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ પહેલાથી જ ફાઈનલ હતું. જો કે, મંત્રીમંડળમાં સમાવવા મામલે અનેક સિનિયર નેતાઓના નામ ચર્ચાતા હતા. મંત્રી મંડળમાં પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કિરિટ સિંહ રાણા, પૂર્ણેશ મોદી, મનિષા સુથાર, વીનુ મોરડીયા, ચૌધરી સમાજના આગેવાન શંકર ચૌધરી, સિનિયર નેતા રમણ વોરા, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર, શંભુનાથ ટુંડિયા અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયા સહિતના નેતાઓના નામ ચર્ચાતા હતા. જો કે, ભાજપ હાઈકમાન્ડે ભુપેન્દ્ર પટેલ સરકારના આઠ પૂર્વ નેતાઓને પુનઃ સ્થાન આપીને આઠ નવા ચહેરાઓને સ્થાન આપીને રાજકીય પડિંતોને પણ ચોકાવી દીધા હતા. જો કે, આગામી દિવસોમાં મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે આ સિનિયર નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવે તેવી શકયતાઓ રાજકીય પંડિતોએ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી સરકાર આગામી દિવસોમાં વિકાસના કાર્યોને વધારે વેગવંતા બનાવવાની સાથે આધુનિક સુવિધાઓમાં વધારો કરે તેવી શકયતા છે. અગાઉ પણ ભાજપાએ કેટલાક ચોંકાવનારા નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.