શહેરમાં RT-PCR રિપોર્ટ નેગેટિવ છતાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના નવા ટ્રેન્ડે લોકોના પરેશાન કરી મુક્યા છે. આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ખતરો ટળી જતો નથી. શહેરની જુદીજુદી હોસ્પિટલોમાં હાલ એવા સંખ્યાબંધ દર્દી દાખલ છે જેમનો 24 કલાક પહેલાં આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, છતાં તેમને બીજા જ દિવસે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય. કોરોનાના નવા વાયરસથી તબીબો પણ આશ્વર્યમાં મુકાય ગયા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને એસવીપીમાં હાલ આવા 50થી વધુ દર્દી દાખલ છે, જેમને કોરોનાના ચિહ્નો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ હતો. નવા નરોડામાં રહેતાએક દર્દીને એન્ટિજન અને ત્યારબાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જો કે, બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બીજા દિવસે બપોરે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક 108 બોલાવી ગંભીર સ્થિતિમાં સિવિલ ખસેડ્યા હતા. બન્ને હોસ્પિટલમાં આવા ઘણા દર્દીઓ છે કે જેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય, આ અંગે સિનિયર પલ્મોનોલોજિસ્ટના કહેવા મુજબ આમ થવા પાછળ મુખ્ય કારણ છે કે હાલનો વાયરસ શરીરમાં ઝડપથી પ્રસરે છે. આરટીપીસીઆર વેલ્યુ 14થી 35 હોય છે, જેમાં વેલ્યુ 24થી ઉપર હોય તે વ્યક્તિના શરીરમાં રોગ ઓછી ગતિએ પ્રસરે છે, જ્યારે વેલ્યુ 14થી 24 વચ્ચે હોય તો ખૂબ ઝડપથી ફેલાય છે. બીજું કે ઘણી વખત ટેસ્ટિંગ કરનાર વ્યક્તિની હ્યુમન એરર કે લેબોરેટરી પ્રોસેસમાં ખામી થઈ હોય તો પણ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. આવા કેસમાં બ્લડ રિપોર્ટ અને સિટી સ્કેન રિપોર્ટ કરાવવો હિતાવહ છે.