વર્લ્ડકપ 2023માં અનેક રેકોર્ડ બન્યાં, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયો મોટો રેકોર્ડ
નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. ફાઈનલમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2011 થી 2019 સુધી વર્લ્ડ કપ યજમાન દેશ વર્લ્ડ કપ જીતતો આવ્યો હતો જોકે હવે આ ક્રમ તૂટી ગયો છે. ભારતમાં આયોજિત આ વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે. ભારતમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં બેસ્ટમેનોએ વિસ્ફોટક બેટીંગ કરવાની સાથે કુલ 40 સદી ફટકારવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટની એક જ આવૃત્તિમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બન્યો છે. આ પહેલા 2015ના વર્લ્ડ કપમાં કુલ 38 સદી ફટકારવામાં આવી હતી.
આ વર્લ્ડ કપમાં કુલ 2883 બાઉન્ડ્રી (ચોક્કા + છગ્ગા) ફટકારવામાં આવી હતી. એક વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ બાઉન્ડ્રીનો રેકોર્ડ છે. આ વર્લ્ડ કપમાં કુલ 2239 ફોર અને 644 સિક્સર ફટકારવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ 384 બાઉન્ડ્રી ફટકારી હતી. જેમાં 287 ચોગ્ગા અને 97 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતે 278 ચોગ્ગા અને 92 છગ્ગા ફટકાર્યા હતા. ભારતે વર્લ્ડકપમાં લગભગ 370 બાઉન્ડ્રી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ 347 બાઉન્ડ્રી (265 ફોર, 82 સિક્સ) સાથે ત્રીજા અને દક્ષિણ આફ્રિકા 342 બાઉન્ડ્રી (243 ફોર, 99 સિક્સ) સાથે ચોથા ક્રમે છે.
હરિસ રઉફે આ વર્લ્ડ કપમાં ચોક્કસપણે 16 વિકેટ લીધી હતી, પરંતુ આ માટે તેણે 533 રન ખર્ચ્યા હતા. તે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલે ઈંગ્લેન્ડના આદિલ રાશિદનો રેકોર્ડ તોડ્યો હતો. આદિલે 2019 વર્લ્ડ કપમાં 526 રન આપ્યા હતા. આ યાદીમાં ત્રીજા સ્થાને શ્રીલંકાના દિલશાન મદુશંકા છે, જેમણે આ વર્લ્ડ કપમાં 525 રન આપ્યા હતા, જ્યારે 2019 વર્લ્ડ કપમાં 502 રન આપનાર મિચેલ સ્ટાર્ક ચોથા સ્થાને છે.
આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ 11 મેચની 11 ઇનિંગ્સમાં 54.27ની એવરેજ અને 125.95ની સ્ટ્રાઇક રેટથી 597 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. આ એક જ વર્લ્ડ કપમાં કેપ્ટનના સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનના નામે હતો. તેણે 2019 વર્લ્ડ કપમાં નવ ઇનિંગ્સમાં 82.57ની એવરેજથી 578 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. રોહિત સતત બે વર્લ્ડ કપમાં 500 થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.