Site icon Revoi.in

સપ્ટેમ્બરમાં બદલાશે ઘણા નિયમો, બાયોમેટ્રિક્સ વગર સિમ કાર્ડ નહીં મળે

Social Share

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ એક્ટ 2023 લાગુ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ટેલિકોમ એક્ટ 2023 આગામી 15 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. મતલબ કે નવી સરકાર બન્યાના 100 દિવસમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ નિયમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટેલિકોમ એક્ટ 2023માં ડેટા કલેક્શન, સ્પેક્ટ્રમ ફાળવણી વગેરે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, નવા નિયમની સૌથી મહત્વની બાબત બાયોમેટ્રિક્સ સાથે સંબંધિત છે. નવા નિયમ મુજબ સિમ કાર્ડ જારી કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે. તેનો ફાયદો એ થશે કે યુઝર્સના ડેટાનો દુરુપયોગ નહીં થાય અને અન્ય કોઈનું સિમકાર્ડ તેમના હાથમાં નહીં હોય.

નવા નિયમમાં યુઝર્સના ડેટા એકત્ર કરવા માટે પણ કડકાઈ કરવામાં આવી છે. આ સિવાય સેટેલાઇટ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવણીને લઈને પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સેટેલાઇટ કંપનીઓને પહેલેથી જ જણાવવામાં આવ્યું હશે કે તેઓને જે સ્પેક્ટ્રમ મળશે તે ક્યારે, ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાશે. ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા આપવા માટે સરકાર પાસેથી સ્પેક્ટ્રમ પણ ખરીદવું પડશે. આ સિવાય હવે પ્રમોશનલ મેસેજ અને કોલ ફક્ત બે નંબરની શ્રેણીમાંથી આવશે. આ માટે નંબર સિરીઝ પણ ફાળવવામાં આવી છે.