Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકો પર વધતું કામનું ભારણ

Social Share

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો સહિત  બિનશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે અધ્યાપકો અને કોલેજ કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. ઈજનેરી  કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2માં બઢતીનો લાભ અપાયો નથી. ઉપરાંત કોલેજોના અધ્યાપકોની બદલી, અધ્યાપકોની વિવિધ કોલેજોમાં આપેલી એડહોક સેવાને સળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લવાયો નથી, જેના કારણે તેઓ માનસિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અધ્યાપકો અને ક્લાર્કથી લઈને કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ કોલેજોના અધ્યાપકો પર કામનું ભારણ વધતું જાય છે. ઉપરાંત અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પણ સરકારનું ઉદાસિન વલણ જોવા મળી રહ્યું છે અધ્યાપકોનું કહેવું છે કે, રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતના પદાધિકારીઓને છેલ્લા કેટલાક વર્ષોમાં 10થી વધુ વખત રજૂઆતો કરાઈ છે, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ છે.  રાજ્ય સરકાર અધ્યાપકોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી માગણી છે.

સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો કહેવા મુજબ  અધ્યાપકો હંમેશાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક અમલ કરીને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગ્ય ફાળો આપી રહ્યા છે તેમ છતાં ટેકનિકલ શિક્ષણ વિભાગનું વલણ સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો પ્રત્યે ભારે ઉપેક્ષિત રહ્યું છે. સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ પણ કર્મચારી કે અધિકારી જોડાયા પછી અમુક વર્ષોમાં ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર મળતી હોય છે. જ્યારે રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો આઠ આઠ વર્ષથી કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ માટે લાયક હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણ અપાયું જ નથી. ઘણા અધ્યાપકો તો 12 વર્ષ પહેલાં નોકરીમાં જોડાયા હતા , તે જ પગાર ધોરણમાં હાલ નોકરી કરી રહ્યા છે. મોંઘવારીના સમયગાળામાં થતા આર્થિક નુકસાનને મામલે તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ 2012 પછી જૂજ કિસ્સાને બાદ કરતા આજદિન સુધીમાં બઢતીની પ્રક્રિયા ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાઈ જ નથી.