Site icon Revoi.in

અબડાસા તાલુકાના અનેક ગામોમાં હજુપણ અંધારપટ

Social Share

ભૂજઃ કચ્છમાં બે-ચાર દિવસ પહેલા ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાતા વીજ તંત્રને પણ સારૂએવું નુકસાન થયું હતું, જેમાં છેવડાએ આવેલા અબડાસા તાલુકામાં મોટા ભાગના વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે.  જે વરસાદ બંધ રહી ગયાના બે દિવસ બાદ પણ પૂર્વવત કરી શકાયો નથી. તેથી અનેક ગામડાંઓમાં હજુ અંધારપટ જોવા મળી રહ્યો છે. પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુવઠો કાર્યરત કરવા માટે કામ કરી રહ્યા છે. અને ગામડાંનો લોકો પણ વીજ કર્મચારીઓને મદદ કરી રહ્યા છે.

અબડાસા તાલુકામાં અનેક વિસ્તારો હજીપણ વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત કરવામાં આવ્યો નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આ માટે સ્થાનિક લોકોએ તંત્રની મદદ કરવા છતાં પણ વીજ પુરવઠો હજુપણ પૂર્વવત થઈ શક્યો નથી. બુટા ગામના ગ્રામજનોએ પીજીવીસીએલના કર્મચારીઓ સાથે મળીને કામ કર્યું તેમ છતાં હજી સુધી વીજળી પુવઠો રાબેતા મુજબ કરી શકાયો નથી. બીજી બાજુ તેરા ગામના સ્થાનિક લોકો દ્વારા વિજ તંત્રના અધિકારીઓને મદદ કરી તેમ છતાં અડધા ગામમાંજ લાઈટ આવી છે. વીજ ક્ષતિઓ તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે એવી લોકોની માંગ છે. અલબત્ત પીજીવીસીએલ વિભાગ વિજ પુનઃ સ્થાપન માટે સ્થાનિક સાથે પરપ્રાંતની ટુકડીઓની મદદ સાથે દિવસ રાત યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાનું તંત્ર તરફથી જાણવા મળ્યું હતું. સ્વાભાવિક સમસ્યા મોટી હોવાથી સમય લાગી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી બન્યા છે. વીજ ટ્રાન્સમીટરો પણ ક્ષતિગ્રસ્ત બન્યા છે. પણ કાલ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાશે, એવું પીજીવીસીએલના અધિકારીઓ કહી રહ્યા છે.