અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજ્યભરમાં લગ્નગાળાની સીઝન પણ ખીલી ઊઠશે. ચૂંટણી પંચે ગુજરાતમાં તા.1લી ડિસેમ્બર અને તા.5મી ડિસેમ્બરે ચુંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે ત્યારે લગન્ અને ત્યારબાદ રિસેપ્શનના કાર્યક્રમો હોય આ દિવસોમાં ચૂંટણી જાહેર થતા હવે લગ્નગાળો ચૂંટણીને અસર કરશે. જોકે ચૂંટણી પંચે રાજ્યમાં વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કે યાજાશે. મતદાનની બન્ને તારીખે ઘણાબધા લગ્નો પણ યોજાશે. ચૂંટણીને લીધે લગ્નમાં બહારગામ આવવા જવા માટે ખાનગી મોટર જેવા વાહનો ભાડે કરવામાં પણ સમસ્યા સર્જાઇ શકે તેમ છે. કારણ કે ખાનગી મોટર સહિતના વાહનો ચૂંટણી કાર્ય માટે રેક્વિઝેટર કરવામાં આવતા હોય છે. લગ્નો માટે વાડી, હોલ, વિડીયોગ્રાફર, સાઉન્ડ સિસ્ટમ વિગેરેનુ અગાઉથી બુકીંગ કરી દેવાયુ છે. પરંતુ ચૂંટણી તંત્ર વાડી હોલ વિગેરેનો ઉપયોગ કરવા માંગતુ હોય બુકીંગ કેન્સલ થવાની આશંકાએ લગ્ન આયોજકો ચિંતિત બન્યા છે. ચૂંટણીમાં બંદોબસ્ત માટે અન્ય રાજ્યોમાંથી અર્ધ લશ્કરી દળો આવશે,તેમના માટે રહેવાની વ્યવસ્થા માટે મ્યુનિ.ના હોલ, અને વાડીઓ રિઝર્વ રાખવાની સુચના આપી દેવામાં આવી છે. આથી લગ્નો માટે મ્યુનિ.ના હોલ જેમને બુક કરાવ્યા છે. તેમને હવે બીજી વ્યવસ્થા કરવી પડશે.
દેવઊઠી અગિયાસર બાદ હવે લગ્નસરાની સીઝનનો પ્રારંભ થશે. લગ્નો માટે વર અને કન્યા પક્ષ દ્વારા વિવિધ વાડી, હોલ, પાર્ટી પ્લોટ વિગેરેનુ અગાઉથી જ બુકીંગ કરાવી દેવાયું છે. વિડીયોગ્રાફરો, સાઉન્ડ સીસ્ટમ, કેટરર્સ વિગેરેના બુકીંગ પણ ફુલ છે. તેવા સમયે હવે વિવિધ સ્થળે આવનારી ચૂંટણીને અનુલક્ષીને વાડી હોલ જેવા સ્થળો રિકવીઝીટ કરવા આદેશ અપાયા છે. સરકાર હવે જયારે જરૂર પડશે ત્યારે આ વાડી હોલનો કબજો લેશે. આથી જેમણે પોતાના સંતાનોના લગ્નો ગોઠવ્યા છે તેઓ આના કારણે ભારે ચિંતિત બન્યાં છે. ચૂંટણી દરમિયાન જે રીતે તંત્રને વાડી હોલની જરૂરીયાત ઉભી થાય છે તેવી રીતે મોટા પ્રમાણમા વિડીયોગ્રાફરની જરૂરીયાત પણ ઉભી થાય છે. ત્યારે હવે તા.1 તથા 5 ડિસેમ્બરે ચુંટણી જાહેર થઇ જતા જેમના ઘરે આ દિવસોમાં લગ્ન પ્રસંગ છે તેઓની ચિંતા વધી ગઇ છે. વાડી હોય કે વિડિયોગ્રાફર આ દિવસમાં મળશે કે કેમ તેની લગ્ન આયોજકોને થવા લાગી છે.
કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ તુલસી વિવાહ બાદ લગ્નોત્સવ પ્રારંભ થતો હોય છે પણ આ વર્ષે તુલસી વિવાહ સંપન્ન થયા બાદ કારત વદ-8, ગુરૂવાર તા 17 નવેમ્બર સુધી શુક્રનો અસ્ત હોય લગ્નના મુહૂર્ત નથી. શુક્રના અસ્તમાં કોઇ પણ પ્રકારના શુભ કાર્યો કરવાનો નિષેધ હોય લગ્નના શુભ મુહૂર્ત મળતા નથી. બાદમાં તા.25 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્નસિઝન રહેશે