અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે હવે બજારો સ્વયંભૂ બંધ રહેવા લાગ્યા છે. રાજ્યમાં ઊંઝા મહેસાણા, અરવલ્લી સહિત ઘણીબધી એપીએમસીએ સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાજકોટ અને ગોંડલ જેવા અગ્રીમ માર્કેટ યાર્ડોએ આગામી શુક્રવારથી રવિવાર સુધી વીક એન્ડ બંધની જાહેરાત કરી હતી. પણ આજે બુધવારથી જ યાર્ડમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે બીજા નાના યાર્ડોએ પણ અલગ અલગ દિવસે બંધ જાહેર કર્યો છે.સંક્રમણ ઓછું ફેલાય અને વેપાર ઉદ્યોગ પણ ચાલ્યા કરે તે માટે હાલની તકે વીક એન્ડ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
રાજકોટ યાર્ડના સત્રોએ જણાવ્યુ હતું કે, આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ બપોરે યાર્ડના વેપારી, એજન્ટો અને ખેડૂતોની રજૂઆત બાદ બેડી યાર્ડમાં આજે બુધવારથી હવે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજીનું કામકાજ બંધ કરવામાં આવશે. નવી આવકો બંધ કરી દેવાઇ છે. લેટરપેડ ઉપર ગોડાઉનોમાં માલ જણસ ઉતારવાની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે. ગોંડલ યાર્ડમાં શનિવાર અને રવિવાર હરાજી બંધ રહેવાની છે. એ પૂર્વે કપાસના પાલ અને ડુંગળીની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. અગાઉ આવેલા માલની હરાજી પહેલા કરવામાં આવશે. તેવી જાહેરાત થઇ છે. ઊંઝા યાર્ડ પણ શનિ-રવિ બંધ છે. ઉપલેટા માર્કેટ યાર્ડ સોમવારથી બંધ થઇ ગયું છે.
અમરેલીમાં તા. 14થી 17 સુધી બંધ રાખવાની જાહેરાત થઇ છે. બાબરા 18મી સુધી બંધ છે. વાંકાનેર 18 એપ્રિલ સુધી બંધ કરાયું છે. હજુ બંધના એલાનમાં અન્ય યાર્ડો પણ જોડાય રહ્યા છે. મોરબી પંથકમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે હોવાને લીધે યાર્ડમાં પણ વેપારીઓ અને ખેડૂતોમાં ફેલાવાનો ભય ઉપસ્થિત થતા યાર્ડમાં 12મી એપ્રિલથી હરાજી બંધ કરી દેવામાં આવી છે. હવે 19મી એપ્રિલે સ્થિતિ જોયા પછી હરાજીનો આરંભ કરવામાં આવશે તેમ યાર્ડના સૂત્રોએ કહ્યું હતુ. કોરોના મહામારીને કારણે મહુવા માર્કેટ યાર્ડમાં સીંગ, કપાસ, અનાજ અને નાળિયેરની હરાજીનું કામકાજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે. આવકોને પણ પ્રવેશ બંધ કરાયો છે.’ સફેદ તથા લાલ ડુંગળીની આવક તા. 15 એપ્રિલ ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી જ કરવા દેવામાં આવશે. એ પછી 18 એપ્રિલે રવીવારે રાત્રે આવક કરવામાં આવશે.