Site icon Revoi.in

અમદાવાદમાં બજારો અનલોક બની પણ બહારગામની ખરીદી ન હોવાથી મંદીનો માહોલ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રોજગાર-ધંધા રાબેતા મુજબ બની રહ્યા છે. પણ કેટલાક ધંદામાં હજુ ઘરાકી જોવા મળતી નથી. શહેરના પાંચકુવા બજારમાં ઘરાકીનો આધાર હવે આવનારી નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોને લઇને મોટો મદાર રહેલો છે. તેમજ ગામડાઓમાં મોટા ભાગનો માલ વેચાઇ ગયો હોવાથી ચેનલ ખાલી છે ત્યારે બજારમાં ધીમે ધીમે ઘરાકી વેગ પકડે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. તો સામે રિલીફ ઇલેક્ટ્રોનીક્સ માર્કેટમાં હજુ જોઇએ તેવી ઘરાકી જામી નથી.

શહેરના પાંચ કુવા કાપડ માર્કેટમાં કૂર્તીથી લઇને હેન્ડલૂમસ શુટીંગ શર્ટીંગ, મોટી બેડશીટ તેમજ પડદાઓ વગેરે જેવી વિવિધ આઇટમોનું વેચાણ થાય છે. પાંચ કુવા કાપડ માર્કેટ મહાજનના સૂત્રોએ જણાવ્યું હતુ કે થોડી થોડી ચહલ પહલ દેખાઇ રહી છે. ખાસ કરીને છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હીના બજારો ખુલી રહ્યા છે અને આગામી તહેવારો જેમ કે નવરાત્રી, દિવાળીને કારણે પણ ઘરાકી વધશે તેવું હાલમાં લાગી રહ્યુ છે.

જૂના ભાવમાં હવે રકઝક કેવી થાય છે કે તે અંગે તેમણે જણાવ્યું હતુ કે કોરનાની બીજી સિઝન પહેલા જ મિલોવાળાઓ 7થી 8 ટકા ભાવ વધારી દીધા હતા તેથી અમે લોકોએ હાલમાં કોઇ વધારો કર્યો નથી કે ઘરાકો પણ જરૂરિયાત અનુસાર જ માલ લેતા હોવાથી ભાવમાં મોટી રકઝક થતી નથી. રિલીફરોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતુ કે બજાર તો ચાલુ થઇ ગયા છે પરંતુ લોકોમાં હજુ પણ કોરોનાનો ડર ગયો નથી. તેથી પહેલા જેવી ભીડ હજુ દેખાતી નથી. બહારગામથી વેપારીઓ દેખાતા નથી. પરંતુ બજારમાંથી ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર માલ જઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે હવે બધો આધાર આગામી તહેવારો પર છે. તહેવારો આવતા અને ધીમે ધીમે’સરકાર દ્વારા અનલોકની મર્યાદા વધારતા ઘરાકી ખુલશે તેવી આશા છે.