- ગલવાન ઘાટીમાં શહાદત પામેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા
- ચીનની ઘુસણખોરીને નાકામ બનાવનારા સુબેદાર સંજીવ કુમારને કિર્તિ ચક્ર
- હવાલદાર કે પિલાની, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્રથી સન્માનીત
દિલ્હીઃ પાકિસ્તાનના લડાકુ વિમાનને જમીનદોસ્ત કરીને હુમલાને નિષ્ફળ બનાવનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વીર ચક્રથી સન્માનીત થયા બાદ હવે લદાખની ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકોનો બહાદુરીપૂર્વક સામનો કરીને શાહિદ થયેલા કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમના માતા તેમજ પત્નીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત એ જ ઓપરેશનમાં સામેલ નાયબ સુબેદાર નુદુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા છે.
ગત વર્ષે જૂન મહિના દરમિયાન જૂનમાં ઓપરેશન સ્નો લેપર્ડમાં ગલવાન ઘાટીમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા સામે બહાદુરીપૂર્વક લડત આપનાર નાયબ સુબેદાર નુદુરામ સોરેનને મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે ચીની સૈનિકોએ હુમલો કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને નિષ્ફળ બનાવવા માટે કર્નલ સંતોષ બાબુએ પોતાનો જીવ આપ્યો હતો અને શહાદત પામ્યા હતા. કર્નલ સંતોષ 16 બિહાર રેજિમેન્ટના ઓફિસર હતા. હકીકતમાં, 15 જૂનના રોજ ચીની સૈનિકોની ઘુસણખોરી રોકવા માટે થયેલી હિંસક અથડામણ દરમિયાન સેનાના 20 જવાનો શહાદત પામ્યા હતા.
નોંધનીય છે કે, શહીદ કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. કર્નલ સંતોષ બાબુએ શહીદ થતા પહેલા ચીની સેના સાથે શાંતિ સ્થાપવા માટે અનેક રાઉન્ડની વાતચીત કરી હતી. આ સાથે ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો-લેપર્ડ દરમિયાન ચીની સેના સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા અન્ય ચાર જવાનોને પણ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.