Site icon Revoi.in

પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ અને આતંકવાદ માટે ઈમરાન ખાન જવાબદારઃ મરિયમ નવાઝ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મામલે ઈમરાન ખાન સહિતના રાજકીય આગેવાનો એક-બીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને પોતાનો લુલો બચાવ કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની ઉપઅધ્યક્ષ મરિયમ નવાઝએ દેશની હાલની પરિસ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સહિત પાંચ આગેવાનોને જવાબદાર ઠરાવ્યાં છે.

લંડનથી ચાર મહિના બાદ પરત પાકિસ્તાન ફરેલી મરિયમ નવાઝએ કહ્યું કે, પાંચ વ્યક્તિઓએ દેશને બરબાદ કર્યો છે. પાકિસ્તાન તહરિક એ ઈન્સાફના ચેરમેન ઈમરાન ખાન, પૂર્વ ચીફ જસ્ટીસ સાકિબ નિસાર અને આસિફ સઈદ ખોસાને જવાબદાર ઠરાવ્યાં છે. જ્યારે અન્ય બે જવાબદારોના નામ નથી જાહેર કર્યાં, પરંતુ આ બંને પૂર્વ પીએમ ઈમરાનના નજીકની વ્યક્તિ હોવાનું મનાઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સારુ છે કે પીટીઆઈના નેતૃત્વમાં ચાર વર્ષની દુર્દશામાંથી દેશને બહાર કાઢવામાં આવ્યો છે. જો આમ થયું ના હોય તો તેમણે આગામી 12 વર્ષ સુધી શાસન કરવાની યોજના બનાવી હતી. જો આ લોકો હજુ 12 વર્ષ સત્તામાં રહેતા તો દેશની શુ હાલત કરતા. આ લોકોએ દેશની અર્થવ્યવસ્થાને ચોપટ કરી નાખી છે, તેમજ હાલ દેશમાં એક પછી એક આત્મઘાતી હુમલા થઈ રહ્યાં છે. પાંચ વ્યક્તિઓએ બસ દેશને લુંટવાનું જ કામ કર્યું છે. આ લોકોએ ચારેયબાજુથી પૈસા ભેગા કરીને દુબઈ મોકલી આપ્યાં છે. આ દેશને આવા શખ્સોથી બચાવવાની જવાબદારી પીએમએલ-એનએ લીધી છે.

તેમણે કહ્યું હતું કે, પીએમએલ-એનએ દેશમાંથી આતંકવાદ સાફ કરી નાખ્યો હતો પરંતુ ઈમરાનખાન સત્તામાં આવતા આતંકવાદીઓએ ફરી માથુ ઉઠાવ્યું હતું. ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજેન્સના પૂર્વ પ્રમુખ ફૈઝ હામિદ પૂર્વ પીએમ ઈમરાનખાનના ખાસ વિશ્વાસુ છે, તેમણે જ આતંકવાદીઓ માટે ફરીથી દેશન દરવાજા ખોલ્યાં હતા.