મસ્જિદ તોડનારાને મળ્યો ભારતરત્ન, અડવાણીને સર્વોચ્ચ સમ્માનથી મુસ્લિમ નેતા ભડક્યા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરવાની ઘોષણા કરી છે. આ અહેવાલ પર જ્યાં ઘણાં લોકોએ ખુશી વ્યક્ત કરી છે, ત્યારે જમાત-એ-ઈસ્લામી હિંદના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જમાત એ ઈસ્લામી હિંદના ઉપાધ્યક્ષ મલિક મોહતસિમ ખાને કહ્યુ છે કે હાલની સરકાર પાસેથી આવા પ્રકારની આશા હતી કે તે બાબરી મસ્જિદને પાડનારાઓને ઈનામ આપશે.
6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં વિવાદીત બાબરી મસ્જિદનો ઢાંચો વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકર્તાઓ સહીત કારસેવામાં ઉમટેલી સેંકડોની ભીડે ધ્વસ્ત કર્યો હતો અને ત્યાં એક મંદિર બનાવી દીધું હતું. આ મામલામાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહીતના 49 લોકોને આરોપી બનાવાયા હતા. બાદમાં સુનાવણી દરમિયાન 17ના મોત નીપજ્યા હતા. જ્યારે બાકી બચેલા 32 આરોપીઓને કોર્ટે 2020માં બરી કરી દીધા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે બાબરી વિધ્વંસ એક ષડયંત્ર ન હતું, પરંતુ તે અચાનક બનેલી ઘટના હતી.
અડવાણી રામમંદિર નિર્માણ આંદોલન આપનારા મુખ્ય નેતાઓમાંથી એક હતા. તેમણે 25 સપ્ટેમ્બર, 1990ના રોજ સોમનાથથી લઈને અયોધ્યા સુધી રામરથ યાત્રા કાઢી હતી. પરંતુ બિહારમાં લાલુ યાદવની સરકારે 23 ઓક્ટોબર, 1990ના રોજ સમસ્તીપુરમાં તેમને એરેસ્ટ કર્યા હતા. ગત મહિને અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. અડવાણીને ભારતરત્નનું સર્વોચ્ચ સમ્માન રામમંદિર આંદોલન માટે તેમના કરવામાં આવેલા અથક પ્રયાસ અને ત્યાગનું સમ્માન માનવામાં આવે છે.
જો કે જમાત એ ઈસ્લામી હિંદને અડવાણીને ભારતરત્ન આપવાની વાત ગમી નથી. ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં જ્ઞાનવાપી પરિસરના ભોંયરાને પૂજા માટે ખોલવાના જિલ્લા અદાલતના નિર્ણય પર પ્રતિક્રિયા આપવા અને તેના વિરોધમાં અવાજને બુલંદ કરવા માટે જમાત એ ઈસ્લામી હિંદના નેતા નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન અડવાણી પર પ્રતિક્રિયા પણ આપી હતી. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના ભોયરામાંથી એકમાં પૂજા માટે કોર્ટ દ્વારા પૂજા માટે આપવામાં આવેલી મંજૂરી પર જમાત એ ઈસ્લામી હિંદના ઉપાધ્યક્ષે શનિવારે કહ્યુ કે હવે કોર્ટ પરથી પણ વિશ્વાસ તૂટી રહ્યો છે. જમાત એ ઈસ્લામી હિંદના નેતાએ કહ્યુ છે કે હવે વિચિત્ર વાત એ રહી છે કે કોર્ટ એ પણ જોઈ રહી છે કે ભીડ કઈ તરફ વધારે છે. તેના તરફી ચુકાદો સંભળાવે છે.