- દિલ્હી અને મહારાષ્ટ્રમાં લોકોને માસ્કથી રાહત
- હવે માસ્ક મરજિયાત
- મંત્રીએ આપી જાણકારી
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હવે કોરોનાવાયરસના કેસ ઓછા થતા જાય છે ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સતત ઘટતા કેસ બાદ હવે રાજ્યમાં કોવિડ-19ને લગતા તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. હવે માસ્ક પહેરવું પણ ફરજિયાત નથી. જોકે લોકોને સુરક્ષા માટે માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાઈ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું કે ગુડીપડવાનો અર્થ નવા વર્ષની શરૂઆત છે. આ દિવસ કંઇક નવીન શરૂ કરવા છે. બે વર્ષથી આપણે મહામારી સામે મક્કમતાથી લડીએ છીએ. હવે કોરોનાની અસર સતત ઘટી રહી છે. કોરોના ફરીથી પગપેસારો ના કરે તે માટે લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા માસ્ક પહેરે તેમજ ભીડ ધરાવતા વિસ્તારોમાં સાવચેત રહે તે પણ જરૂરી છે. આ ઉપરાંત રસી લઈ લેવી પણ હિતાવહ છે.
જો વાત કરવામાં આવે દિલ્હીની તો હવે ત્યાં પણ સરકાર દ્વારા માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ લેવામાં નહીં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. કોરોનાના સમયમાં દિલ્હીમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે જે માસ્ક વગરના લોકો પાસેથી 500 રૂપિયા દંડ લેવામાં આવશે, જ્યારે કોરોનાના કેસ વધી ગયા હતા ત્યારે આ દંડની રકમ 2000 રૂપિયા કરી દેવામાં આવી હતી પરંતુ હવે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ લેવામાં આવશે નહીં પરંતુ માસ્ક પહેરવાની સૂચના તો આપવામાં આવી છે.