રાજકોટની ખાનગી શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો નિર્ણય
રાજકોટ: ગુજરાતમાં કોરોનાનો સંક્રમણકાળ કપરો રહ્યો હતો, બે વર્ષમાં લોકોએ અનેક યાતનોઓ ભોગવી હતી, હવે તો કોરોનાનું નામ પડતા જ લોકોને ભૂતકાળ યાદ આવી જાય છે. ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ સંભવિત કોરોનાના રોગચાળા સામે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી રહી છે. લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં વધુ તકેદારી રાખવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટની ખાનગી શાળાઓમાં ફરજિયાત માર્ક પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના રોગચાળાને અટકાવવા રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ત્યારે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિર્ણય લેવાયો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ નિર્ણય કર્યો છે. વાલીઓને પણ જાણ કરવામાં આવી છે કે, બાળકોને માસ્ક પહેરીને શાળામાં મોકલવામાં આવે તે જરૂરી છે. સ્કુલવાહન ચાલકોને પણ માસ્ક પહેરવાની સુચના આપવામાં આવી છે.
રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરાશે. એટલું જ નહીં જે પણ બાળકોને તાવ કે શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મૂકવા વાલીઓને અપીલ કરી છે. હવે વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરાવીને શાળામાં મોકલવા સુચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યાં હોવાથી આગમચેના ભાગરૂપે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટા ભાગના શહેરોની હોસ્પિટલમાં બેડ-ઓકિસજન સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. તેવામાં કોરોના સામે આગમચેતીના ભાગરૂપે રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે.