રાજપીપળાઃ ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતાં અગમચેતીના ભાગરૂપે સાજ્ય સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરીને તકેદારી રાખવા લોકોને અપિલ કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક પહેર્યા વિનાના પ્રવાસીઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા વર્ષ 2023ને આવકારવા માટે ઘણા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. ત્યારે
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની દહેશતના પગલે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશી-વિદેશી પ્રવાસીઓએ કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગુજરાત સરકાર કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે એલર્ટ થઈ ગઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે નિયમોનું પાલન કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. આ માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઓફિશિયલ રીતે ટિવટ કરીને આપી છે. ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ આવી રહ્યા નથી પરંતુ, તેમ છતાં આંકડો પહેલાની સરખામણીમાં વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં આજે રવિવારે કોરોના વાયરસના 3 કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દી સ્વસ્થ થયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં પરંતુ તમામ પ્રવાસન સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવા સ્થળો માટે સરકારે ગાઈડલાઈન જારી કરી છે. આમ સરકારે અગમચેતીના પગલાં લીધા છે. લોકોને પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપિલ કરવામાં આવી છે. (file photo)