પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક હત્યા, લૂંટના ઈદારે હત્યા થયાની આશંકા
લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સામુહિક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓએ હત્યા કર્યા બાદ મકાનને આગ પણ લગાવી હતી. હત્યારાઓએ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ હત્યાકાંડને અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે અંજામ આપ્યાનું પોલીસ માની રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેવરાજપુરમાં રાજકુમાર યાદવ પરિવાર સાથે વસવાટ કરી રહ્યાં છે. દરમિયાન રાત્રિના સમયે તેમના મકાનમાં ખુસેલા અજાણ્યા શખ્સોએ ઘરના પાંચ સભ્યોની હત્યા કરી હતી. તેમજ મકાનને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે રાજકુમાર યાદવના ભાઈ પ્રદીપ કુમાર યાદવે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ રાજકુમાર યાદવ (ઉ.વ.55), તેમની પત્ની કુસુમ (.વ. 50), દીકરી મનીષા (ઉ.વ. 25) પુત્રવધુ સવિતા (ઉ.વ.30 અને પૌત્રી સાક્ષી (ઉ.વ. 2)ની હત્યા કરી હતી. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યા શખ્સોએ લૂંટના ઈદારે પાંચેય હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. ખેવરાજપુરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક હત્યા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભય ફેલાયો છે. તેમજ હત્યારાઓને ઝડપથી ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે માંગણી કરી છે.