Site icon Revoi.in

ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, બીજા વર્ષે પણ નાપાસ ન કરવાનો નિર્ણય

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓને ઘણુબધુ સહન કરવું પડ્યું હતું. આથી રાજ્ય સરકારે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય કર્યો છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો નિર્ણય કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપી હતી., જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી છે. વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.

આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત(વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી પર લાગૂ કરવાની રહેશે નહીં.

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ધોરણ-5 અને 8ના અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ કરવામાં આવશે નહીં. આથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવાના શિક્ષણ વિભાગના ગત વર્ષ-2020ના આદેશની અમલવારી થઇ શકશે નહીં. આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે ગત વર્ષ-2020ના આદેશની અમલવારી કરવી કે નહી તેની મૂંઝવણ દૂર થઇ છે. રાજ્યભરના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારે પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોનું 35 દિવસીય ઉનાળુ વેકેશનનો પ્રારંભ આગામી તારીખ 9મી, મે-2022ના રોજ પ્રારંભ થશે.

રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષના છથી સાત માસ બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓના નાપાસ કરાશે નહીં.  કોરોનાની મહામારીને કારણે પ્રથમ શૈક્ષણિક સત્રમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. આથી વાર્ષિક પરિણામ તૈયાર કરવામાં 200ને બદલે માત્ર 160 ગુણમાંથી મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કેમ કે પ્રથમ શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી નહી હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં લેવાના રહેશે નહી.