ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા હવે ડિપ્લોમાં અને આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ માટે પડાપડી થશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા હવે એવી સ્થિતિ ઊભી થશે કે ધોરણ 11ના વર્ગો વધારવા પડશે. ઉપરાંત ધોરણ 10 પછીના ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં તમામ બેઠકો ભરાઈ જશે. દર વર્ષે ડિપ્લોમામાં ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી, પણ આ વર્ષે ડિપ્લામાની તથા આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ મેળવવા પડાપડી થશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો.10ની પરીક્ષા ચાલુ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા આપનારા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયુ છે. શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયના કારણે ચાલુ વર્ષે ડિપ્લોમા ઇજનેરીની તમામ બેઠકો ફુલ થઇ થાય તેવી શકયતાં છે.
ડિપ્લોમા ઇજનેરી કોલેજના એસો. દ્વારા અગાઉ પણ સરકારને પત્ર લખીને ચાલુ વર્ષે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો અગાઉ ધો.10માં નાપાસ થવાના કારણે જે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હતા તેઓ આગળ અભ્યાસ કરી શકશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ડિપ્લોમા ઇજનેરીમાં દરવર્ષે 25થી 30 હજાર જેટલી બેઠકો ખાલી પડે છે. આ સ્થિતિમાં ધો.10માં માસ પ્રમોશન આપી દેવામાં આવે તો આ વર્ષ પુરતુ પણ આ ખાલી પડતી બેઠકો ફુલ થઇ જાય તેમ છે.
એસો. દ્વારા કરાયેલી રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય સ્થિતિમાં ધો.10નુ પરિણામ 65થી 70 ટકા જેટલુ આવતુ હોય છે. પરીક્ષા આપનારા રેગ્યુલર વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે 12 લાખ ગણીએ તો પણ અંદાજે દોઢથી બે લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોય છે. આ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 50 ટકાથી વધારે વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ કરતાં નથી અને ધો.10માં બીજી વખત પરીક્ષા પણ આપતા નથી.
આ સ્થિતિમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવતા હવે જે 50 ટકા વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ કરનારા નથી તેઓ ધો.10ના પરિણામના આધારે આઇઆઇટી અને ડિપ્લોમા ઇજનેરી કે અન્ય કોર્સમાં પ્રવેશ મેળવીને પોતાની ડિગ્રી કે સર્ટિફિકેટના આધારે નોકરી કરી શકે તેમ છે. હાલમાં સરકાર દ્વારા ધો.10માં વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે તે જોતાં ચાલુ વર્ષે ડિપ્લોમા, ધો.11 ઉપરાંત આઇઆઇટી સહિતના તમામ કોર્સની બેઠકો ફુલ થઇ જાય તેમ છે.