ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો અપાયું પણ 19 દિવસે સરકાર પ્રવેશ પોલીસી નક્કી નથી કરી શકી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 1થી 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. જેમાં ધો. 10ના બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાયુ છે. હવે સરકારે ધોરણ 10 પછી આગળના ધોરણમાં પ્રવેશ આપવા અને પરિણામ તૈયાર કરવા માટે તજજ્ઞોની કમિટીની રચના કરી હતી. આ કમિટીની માસ પ્રમોશનની જાહેરાતથી લઈને આજ સુધીમાં માત્ર એક જ મીટિંગ મળી છે. હવે આગામી 7 જુનથી નવું સત્ર શરુ થશે તો પ્રવેશ અને પરિણામની પોલીસી ક્યારે જાહેર થશે તે અંગે સ્કૂલો અને વાલીઓમાં મુંઝવણ પેદા થઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અપાયેલા માસ પ્રમોશનના નિર્ણય બાદ પ્રવેશની પોલીસી ક્યારે જાહેર થશે એ તો હજી નક્કી નથી. ત્યારે હોંશિયાર વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં અન્યાય તો નહી થાય ને અને સારી સ્કૂલોમાં જે સ્કૂલ સિવાયની અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ તો મળશે કે કેમ તે મોટી મુંઝવણ છે. સ્કૂલો ચાલી જ નથી અને ઓનલાઈન શિક્ષણ સાથે 8 શહેરોમાં પ્રથમ પરીક્ષા પણ યોગ્ય રીતે થઈ નથી ત્યારે કઈ રીતે પરિણામ આપવુ તે મોટો પ્રશ્ન છે. પરિણામ માટે ધો.10ના કયા માપદંડો ગણવા? ધો.8 અને 9ના પરિણામને માપદંડ ગણવા કે નહિ તે સહિતના અનેક પ્રશ્નો છે. આ મુદ્દે સરકારે તજજ્ઞાોની કમિટી તો રચી દીધી છે પરંતુ હજુ સુધી માસ પ્રમોશન પોલીસી નક્કી નથી થઈ શકી. કમિટીની એક મીટિંગ મળી ગઈ છે અને હજુ બીજી મીટિંગ મળવાની છે. ત્યારબાદ કમિટી સૂચનો સાથેનો પોલીસી ડ્રાફટ રીપોર્ટ સરકારને સોંપશે અને ત્યારબાદ સરકાર ધો.10ના પરિણામ માટેના નિયમો જાહેર કરશે અને ત્યારબાદ ધો.10ના 8.37 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટો પ્રિન્ટ થશે અને જે સ્કૂલોમા વિતરણ થશે અને ત્યારબાદ ધો.11મા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.
હાલ ઘણી સ્કૂલોએ ધો.11 પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તો વાલીઓ પણ ધો.11ના પ્રવેશને લઈને રાહ જોઈ રહ્યા છે. પરંતુ કઈ રીતે પ્રવેશ અપાશે અને ખાસ કરીને ધો.11 સાયન્સમાં કઈ રીતે પ્રવેશ મળશે તેમજ હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય તો નહી થાય ને અને બહારના વિદ્યાર્થીઓને સારી સ્કૂલમાં પ્રવેશ મળશે કે કેમ તે સહિતની અનેક મુંઝવણો વાલીઓમાં છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી 24મી જુને ગુજકેટ લેવામા આવનાર છે અને 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 1લી જુલાઈથી શરૂ થશે. આમ આ વર્ષે પ્રથમવાર મુખ્ય બોર્ડ પરીક્ષા ગુજકેટ લેવાશે તેવુ લાગી રહ્યુ છે. જો કે હજુ સુધી ગુજકેટ માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ જ ભરવામા આવ્યા નથી અને સરકારે 1લી જુલાઈથી બોર્ડ પરીક્ષા ગોઠવતા ગુજકેટ પાછી ઠેલાઈ શકે છે. પરંતુ બોર્ડ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.