ગાઝામાં પોલીયોની બિમારી ફેલાયા બાદ સામુહિક રસીકરણ શરૂ
નવી દિલ્હીઃ ગાઝામાં આજથી પોલીયો રસી આપવાની કામગીરીનો પ્રારંભ થશે. જે માટે આજથી ઇઝરાયલ અને હમાસ ત્રણ દિવસ માટે માનવીય સંઘર્ષ વિરામ લાગુ કરવા પર સંમત થયા છે. ડબલ્યુ એચ ઓ એ રસીકરણ અભિયાનની પૂરી તૈયારી કરી છે. જે માટે ગાઝામાં 6 લાખ 40 હજાર બાળકોને રસી આપવામાં આવશે. ડબલ્યુ એચ ઓ પોલીયો પર નિયંત્રણ માટે ગાઝામાં 90 ટકા બાળકોને રસી આપવાનું લક્ષ હાંસલ કરવા ઇચ્છી રહ્યું છે. ગાઝામાં છેલ્લા 25 વર્ષમાં પોલીયોનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જેમા પોલીયોથી 10 મહિનાના બાળકનું મૃત્યું થયું હતું.
યુનિસેફ પેલેસ્ટાઈનએ એક્સ પરની એક પોસ્ટમાં રસીકરણ કાર્યક્રમની વિગતો શેર કરી અને કહ્યું કે, દેર અલ-બલાહમાં 0-10 વર્ષની વયના બાળકો માટે 1 સપ્ટેમ્બર, 2024 થી 4 સપ્ટેમ્બર, 2024 સુધી ઇમરજન્સી પોલિયો રસીકરણ અભિયાન સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 2:00 વાગ્યા સુધી રહશે. તેમણે લોકોને આગળ આવવા અને પોલિયો સામે રસી આપવા વિનંતી કરી. જો તમારા બાળકોને પહેલાં રસી આપવામાં આવી હોય, તો પણ તેમને ઈમરજન્સી ડોઝ મેળવવા માટે નજીકના રસીકરણ કેન્દ્ર પર લઈ જાઓ અને વાયરસથી સુરક્ષિત કરો, યુનિસેફ પેલેસ્ટાઈનએ જણાવ્યું હતું.