અમદાવાદઃ ગાંધીનગરના કલોલમાં આજે સવારે પંચવટી વિસ્તારમાં ભેદી બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે બે મકાન ધરાશાયી થયા હતા. તેમજ તેની નીચે બે વ્યક્તિઓ દબાઈ હોવાનું જાણવા મળે છે. મકાનની નીચે પસાર થતી ઓનએજીસીની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે. આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભેદી બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહે તપાસના આદેશ કર્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. ઘરની નીચેથી પસાર થઈ રહેલી ONGC પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે. આ બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનં જાણવા મળે છે. તેમજ ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે એક વ્યક્તિ દબાયેલી હોવાનું જાણવા મળે છે. જેની શોધખોળ ચાલી રહી છે.
આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. ભેદી બ્લાસ્ટના કારણે આસપાસના મકાનના બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ બનાવને પગલ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ ઘટનાને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. જો કે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.