સીઝફાયર સમાપ્તિના પ્રથમ દિવસે ઇઝરાયેલનો મોટો હવાઈ હુમલો,ગાઝામાં 175થી વધુ લોકોના મોત
દિલ્હી: હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ઈઝરાયેલે શુક્રવારે ફરી એકવાર હવાઈ હુમલા શરૂ કર્યા. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધવિરામ ભંગ થયાના પહેલા જ દિવસે ઇઝરાયેલે ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો, જેમાં ઓછામાં ઓછા 175 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલ છે. હમાસ સાથે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થયા પછી ઇઝરાયેલી સેનાએ શુક્રવારે ગાઝામાં હમાસના સ્થાનો પર ફાઇટર પ્લેનથી હુમલો કર્યો. ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના ભાગોમાં પત્રિકાઓ છોડી દીધી છે, જેમાં લોકોને ખાન યુનિસ શહેરમાં તેમના ઘર છોડવા કહ્યું છે.
અગાઉ, ગાઝામાં હમાસ-નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે બંને પક્ષો વચ્ચે 7 દિવસનો યુદ્ધવિરામ શુક્રવારે સવારે સમાપ્ત થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, થોડા કલાકો પછી, ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા, જેની સંખ્યા પાછળથી 175 ને વટાવી ગઈ.અહેવાલ મુજબ, મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કેદ્રાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ડઝનેક પેલેસ્ટિનિયનો માર્યા ગયા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. અલ-કેદ્રાના જણાવ્યા અનુસાર મૃતકોમાં બે પેલેસ્ટિનિયન પત્રકારો પણ સામેલ છે.
ઇઝરાયેલ અને હમાસ 24 નવેમ્બરના રોજ માનવતાવાદી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો અને ઈઝરાયેલની જમીન પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યા બાદ શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ફરી લડાઈ શરૂ થઈ હતી.ગાઝા પટ્ટીમાંથી આવતા ચિત્રોમાં સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો જોવા મળે છે. યુદ્ધની શરૂઆતથી, ગાઝાની મોટાભાગની વસ્તી દક્ષિણ ગાઝા તરફ ગઈ છે અને આ લોકોએ ખાન યુનિસ અને અન્ય સ્થળોએ આશરો લીધો છે. ઈઝરાયેલ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં ખાન યુનિસમાં એક મોટી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી.