Site icon Revoi.in

યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રીઓ વેચવાનું કૌભાંડ પકડાયુ, દિલ્હીની માસ્ટર માઈન્ડ મહિલાની ધરપકડ

Social Share

રાજપીપળા : દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓની બોગસ યાને નકલી માર્કશીટ બનાવીને વેચવાનું કૌભાંડ પકડવામાં નર્મદા જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ કૌભાંડ દેશવ્યાપી હોવાનું કહેવાય છે. કૌભાંડકારીઓએ દેશમાં વિવિધ રાજ્યોમાં 31 જેટલા એજન્ટ રોકીને માગો તે યુનિવર્સિટીની અને માગો તે ડિગ્રી લાખો રૂપિયા લઈને આપવામાં આવતી હતી.પોલીસે નકલી ડિગ્રી કૌભાંડનો પડદાફાશ કરીને દિલ્હીથી ફેક ડિગ્રીની માસ્ટર માઈન્ડ મહિલાની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લા પોલીસે બોગસ ડિગ્રી માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપી લીધું હતું. જેમાં ગુગલમાં કથિત રીતે નોકરી કરી ચુકેલી મુળ છત્તીસગઢની અને દિલ્હીમાં રહેતી કોમ્યુટર એન્જિનિયર મહિલા બીએથી લઇને પીએચડી સુધીની ડિગ્રી  20  હજારથી લઈને  4 લાખ રૂપિયામાં સોદો કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં અનેક મોટા માથાની સંડોવણી હોવાની શક્યતા છે.  કેટલીક યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. આરોપીના રિમાન્ડ બાદ ચોંકાવનારી હકિક્ત પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.

નર્મદા પોલીસના જણાવ્યા મુજબ આ નકલી ડિગ્રી કૌભાંડ દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 31 એજન્ટો સામેલ છે. દેશના સેંકડો લોકોએ આ ટોળકીઓ પાસેથી નકલી માર્કશીટો મેળવી હોવાની આશંકા છે. આ નકલી ડિગ્રીઓના વેરિફિકેશન માટે અલગ અલગ યુનિવર્સિટીના કર્મચારીઓની સંડોવણી પણ હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. રાજપીપળાની બીરસા મુંડા યુનિવર્સિટીની ડિગ્રીનો પણ સોદો થયો હતો.

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત્ત 10 ડિસેમ્બર 2021 ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફાઇ થવા માટે આવ્યા હતા. જો કે આ ડિગ્રી સર્ટિફિકેટ અને વેબસાઇટ બંન્ને બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ નર્મદા પોલીસ તપાસ કરતા મોટુ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. તપાસમાં ડુપ્લીકેટ વેબસાઇટ બનાવનારીની ઓળખ થઇ હતી. પોલીસે દિલ્હીમાં રહેતી બેઉલા નંદ રેવ બીસી નંદની ધરપકડ કરી હતી.