પાવાગઢમાં તા. 1 જૂન સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણોમાં કેડટલીક છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તા. 1 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના કેસોને લઈમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીને પગલે હાલ રાજ્યોમાં મોટાભાગના ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે બંધ છે. કોરોનાના કેસ ઘટતા સરકારે લોકોને કેટલીક રાહત આપી છે. જો કે, હજુ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યાં નથી. 51 શક્તિપીઠ પૈકીના પાવાગઢમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે. અંદાજ મુજબ દર વર્ષે 8થી 10 લાખ જેટલા યાત્રાળુઓ પાવાગઢ આવતા હોય છે. પાવાગઢ આવતા યાત્રાળુઓને લઈ પાવાગાઢ તળેટી માચી સહિત ડુંગર પર વસતા એક હજાર કરતા વધુ પરિવારો પાવાગઢમાં નાના મોટા રોજગાર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. પાવાગઢ મંદિર કોરોનાની મહામારીને લઇ નવરાત્રી શરૂ થાય તે પહેલાથી મંદિર બંધ કરવાની ફરજ પડતા સ્થાનિક વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાના સંક્રમણને લઈ સર્જાયેલ પરિસ્થિતિને કારણે મંદિર ટ્રસ્ટે તા.1 જૂન 2021 સુધી મંદિર બંધનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉ તા.28 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી પણ કોરોના નું સંક્રમણ રોકવા માટે વધુ છ દિવસ બંધ રાખવા નિર્ણય લેવાયો છે.