માતરના શેખપુર ગામની પ્રા. શાળામાં છતનો પોપડો પડતાં ત્રણ બાળકોને ઈજા, ગ્રામજનોમાં રોષ
નડિયાદઃ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીબધી શાળાઓમાં પુરતાં વર્ગ ખંડો ન હોવાથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે ઘણીબધી શાળાઓને મકાનો પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે માતર તાલુકામાં શેખપુર ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા વર્ગખંડના છતનો પોપડો પડતા અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણ બાળકોને લીંબાસી ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
ખેડા જિલ્લાના માતર તાલુકાના શેખુપુરમાં પ્રાથમિક શાળાના વર્ગમાં છતનો પોપડો પડતાં અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. શાળાના બાળકો ઈજાગ્રસ્ત થતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રામજનોએ જણાવ્યુ હતું કે નવા વર્ગખંડો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ નવા વર્ગ માટે મંજૂરી આપવામાં આવી નથી. શિક્ષકો દ્વારા પણ આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. એટલે સરકારની બેદરકારી છે. તંત્રની બેદરકારીને કારણે બાળકો મોતના ઓથાર નીચે ભણવા માટે મજબૂર છે. તાલુકાના સત્તાધારી રાજકીય નેતાઓને પણ અગાઉ રજુઆત કરવામાં આવી હતી. શાળાનું મકાન જર્જરિત છે, છતાયે મરામત કરવામાં આવતું નથી.
આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એ.પટેલે જણાવ્યુ હતું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા હતા. તેમને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે વર્ગખંડમાં પોપડા પડ્યા છે હાલ તે વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ તેના રિપેરિંગ માટેની સૂચના આપવામાં આવી છે.