Site icon Revoi.in

ગુજરાતમાં માવઠાએ લીધી વિદાય, હવે તાપમાનનો પારો બે દિવસમાં 37 ડિગ્રીને વટાવી જશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ઘણાબધા વિસ્તારોમાં માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તેના લીધે કૃષિ પાકને પણ નુકશાન થયું હતું. ત્યારે હવે આકાશમાં ગોરંભાયેલા વાદળો વિખેરાય ગયા છે. હવે કમોસમી વરસાદ પડે એવા કોઈ એંધાણ નથી. તેથી આજે રવિવારથી જ તાપમાનમાં વધારો થશે. અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જશે. એલું જ નહીં એપ્રિલ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં અપ્રિલની શરૂઆતની સાથે ઉનાળાની જમાવટ શરૂ થઈ છે, અને બે દિવસમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી પાર કરી જશે. એટલું જ નહિ, ત્યારબાદ શહેરમાં ક્રમશ ગરમીના પ્રમાણમાં વધારો થતો જશે. ખાસ કરીને 15 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે, અને 15થી 30 એપ્રિલ દરમિયાન ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જેથી સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન ગરમીનું જોર ધીમે ધીમે વધવાની શક્યતા રહેલી છે. સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમિયાન અમદાવાદનું એવરેજ તાપમાન 38થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમ છતાં વાતાવરણમાં થતાં બદલાવને કારણે ફુંકાતા ગરમ પવનો અને લૂ ની અસરને કારણે ગરમીનો પારો મહિનાના અંત સુધીમાં 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા નકારી શકાય નહિ. માર્ચ મહિનામાં વારંવાર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં માર્ચ મહિના દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો નથી.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે,  કમોસમી વરસાદ પડવા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સરક્યુલેશનની સાથે વાતાવરણમાં ઉપર અને નીચલા લેવલે પવનની પેટર્નમાં થતો બદલાવ કારણભુત હતો. હવામાનની હાલની સ્થિતિ જોતા એપ્રિલ દરમિયાન અમદાવાદમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ, 15 એપ્રિલ પછી અમદાવાદનું મહત્તમ તાપમાન 39થી 41 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી પડવાની પ્રબળ શક્યતા છે. હાલની સ્થિતિ જોતા એપ્રિલ મહિના દરમિયાન મોટેભાગે આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા હોવાથી કમોસમી વરસાદ પડવાની શક્યતા નહિવત છે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો.