Site icon Revoi.in

માવઠાંનો મારઃ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે દરમિયાન આજે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામં મુકાયાં છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હોવાનું જાણવા મળે છે.

રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મોરબી,અરવલ્લી, રાજકોટ અને સાબરકાંઠા સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે વરસાદી ઝાપટું થયું હતું.

રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 5 દિવસમાં મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આગામી પહેલી મેથી ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

દરમિયાન 24 કલાકમાં રાજ્યના 50 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. 

મોરબીમાં વાતાવરણમાં પણ અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. નવાગામ રોડ ઉપર સોમનાથ ક્રાફટ મિલ એલ.એલ.પી. નામની ફેકટરીમાં ભારે પવનથી આશરે 70 જેટલા પતરાં તૂટી પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. હવામાન વિભાગ દ્વારા અપાયેલ માવઠાની આગાહીનાં પગલે મોરબી , વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂત મિત્રો વેપારીઓને પોતાના માલ જણસીને ખુલ્લામાં બહાર ન રાખી વાહનમાં તાડપત્રી સાથે લાવવા તેમજ સાવચેતી પૂર્વક મૂકવા અનુરોધ કરાયો હતો.