Site icon Revoi.in

માવઠાની આફત ટળી, હવે આજથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે, તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ માવઠાની આગાહી કરી હતી. અને માવઠાની આફત ટળી જતાં હવે આજથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે. અને અમદાવાદ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. રાજકોટ મ્યુનિ.એ યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે 13મીથી 16મી એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે ઉકળાટ વચ્ચે માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણને લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી. હવે રાજ્યનું આકાશ સાફ થતાં ફરી એકવાર સૂર્યનાં સીધાં કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવું પડશે. અમદાવાદ સહિત મહાનગરોના તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. રાજકોટ મ્યુનિ. દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મંગળવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ત્રણ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં  પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે હિટવેવની અસર રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતું આ કરતા વધુ ગરમી રણમાં પડી રહી છે.  સુરેન્દ્રનગર જિલ્લાના રણનું તાપમાન 44 ડિગ્રી વટાવી ગયું છે. અગરિયાઓને પણ રણમાં ગરમીથી બચવા માટે તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા હીટવેવની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે સુરેન્દ્રનગરમાં લોકોને ઘરમાં જ રહેવાની તંત્રએ અપીલ કરી છે. વૃધ્ધો અને બાળકો અને ગર્ભવતી મહિલાઓ ગરમીથી સાવચેત રહે તે અંગે તંત્ર દ્વારા સૂચના  અપાઈ છે. હીટવેવની પરિસ્થિતિ વચ્ચે વૃદ્ધાના મોત બાદ તંત્રએ ફરી ગાઇડલાઈન જાહેર કરી છે. 80 વર્ષીય વૃદ્ધના મોત બાદ હવે ફરી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.