અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે યાને ચૈત્ર મહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદને લીઘે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું હતું. છેલ્લા બે દિવસથી વાદળો વિખેરાતા ગરમીમાં પણ વધારો થતા હવે માવઠું નહીં પડે તેમ માનીને ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજીબાજુ 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડુતો ફરીવાર ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન અને હરિયાણાની આસપાસ સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવારે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો હતો. જ્યારે રવિવારે પણ આકાશમાંથી વાદળો વિખેરાતા તાપમાનમાં વધારો થયો હતો. દરમિયાન આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી શકે છે. પરંતુ, 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોની પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે.
હવામાન વિભાગના કહેવા મુજબ, શનિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ 10થી 12 કિલોમીટરની ગતિએ ઠંડો પવન ફૂંકાતા મહત્તમ તાપમાન શુક્રવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.2 ડિગ્રી ગગડીને 21 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રવિવારે તાપમાનમાં વધારો નોંધાયો હતો. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો વધીને 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી થઈ શકે છે. ત્યારબાદ તા. 29મી માર્ચથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરોથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે. જેથી ભારે પવનો અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. છેલ્લા 15 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂ એવું નુકશાન થયું હતુ, ભેજવાળા વાતાવરણને લીધે વાયરલ બિમારીના કેસો પણ વધ્યા છે. તાવ, શરદી ઉઘરસના ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. (File photo)