Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી, તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડોની શક્યતા

Social Share

ગાંધીનગરઃ રાજયભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે,  સાથે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.  તેમજ હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળશે અને તાપમાનમાં 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં થોડો ઘટાડો થયો છે.  દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના કહેવા મુજબ ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.  ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.