અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ વાદળો વચ્ચે ડાંગમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યાં હતા.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની ફરી એક વધુ આગાહી કરી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. દરમિયાન ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ વાદળો વચ્ચે ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા સહિત આહવા, વઘઇના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. માવઠાને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદી વાતાવરણના કારણે હવામાન ઠંડુગાર બની ગયું છે.