સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ઐતિહાસિક ગઠબંધનના એલાન બાદ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા બંને પક્ષોએ આના પહેલા યુપીમાં 80માંથી 75 બેઠકો પર જોડાણ કરીને ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી બાલાઘાટ, ટીકમગઢ, ખજૂરાહો એમ કુલ ત્રણ બેઠકો પર ઉમેદવાર ઉતારશે, જ્યારે મધ્યપ્રદેશની અન્ય તમામ લોકસભા બેઠકો પર બીએસપી ચૂંટણી લડશે.
ઉત્તરાખંડમાં સમાજવાદી પાર્ટી માત્ર એક બેઠક પૌડી-ગઢવાલ પર પોતાના ઉમેદવાર ઉતારશે અને રાજ્યની બાકીની બેઠકો પર બીએસપીના ઉમેદવાર ચૂંટણી લડશે. સોમવારે બંને પાર્ટીઓ તરફથી આ ગઠબંધનનું ઔપચારીક એલાન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં 29 અને ઉત્તરાખંડમાં લોકસભાની પાંચ બેઠકો છે. ચૂંટણી ગઠબંધનની સમજૂતી પ્રમાણે મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ત્રણ અને બીએસપી 26 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે ઉત્તરાખંડમાં સમાજવાદી પાર્ટી એક અને બીએસપી ચાર બેઠકો પર ચૂંટણી લડશે.
મહત્વપૂર્ણ છે કે આગામી લોકસભા ચૂંટણી માટે ગત માસમાં જ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ બેઠકોની વહેંચણી કરી હતી. લોકસભા ચૂંટણી માટે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી 75 બેઠકોની યાદીમાં બીએસપીનું પલડું ભારે છે. બીએસપી 38 અને સમાજવાદી પાર્ટી 37 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે.
સમાજવાદી પાર્ટીના બીએસપી સાથેના ગઠબંધનથી મુલાયમસિંહ યાદવ નાખુશ
સમાજવાદી પાર્ટી અને બીએસપીના ગઠબંધનથી એસપીના અધ્યક્ષ અખિલેશ યાદવના પિતા અને પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ બિલકુલ ખુશ નથી. તેમણે બીએસપીની સાથે અડધી-અડધી બેઠકો પર લોકસભાની ચૂંટણી લડવાના પોતાના પુત્ર અખિલેશ યાદવના નિર્ણય પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ગત સપ્તાહે અખિલેશ યાદવ પર તીખા વાકપ્રહાર કરતા કહ્યુ છે કે ગઠબંધનને લઈને તેઓ વાત કરત, તો સમજમાં આવત. પણ હવે લોકો કહી રહ્યા છે કે છોકરો (અખિલેશ યાદવ) વાત કરીને ચાલ્યો ગયો. તેમણે કહ્યુ છે કે સમાજવાદી પાર્ટીને તેના જ લોકો ખતમ કરી રહ્યા છે.