નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. બસપાએ 28 મેના રોજ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું છે.
બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટમાં લખ્યું છે કે, “કેન્દ્રમાં પહેલા કોંગ્રેસની સરકાર હોય કે હવે ભાજપની, બસપાએ હંમેશા પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને દેશ અને જનહિત સંબંધિત મુદ્દાઓ પર તેમનું સમર્થન કર્યું છે અને 28મી મેના રોજ સંસદના નવા ભવનના ઉદઘાટનને પાર્ટી આ સંદર્ભે જોતા તેનું સ્વાગત કરે છે.
માયાવતીએ ટ્વિટમાં લખ્યું છે કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન ન કરવા બદલ બહિષ્કાર અયોગ્ય છે. સરકારે તે બનાવ્યું છે, તેથી તેને તેનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. તેને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવું પણ અયોગ્ય છે. તેમને બિનહરીફ ચૂંટવાને બદલે તેમણે તેમની સામે ઉમેદવાર ઊભો કરતી વખતે વિચારવું જોઈતું હતું.
પૂર્વ સીએમ માયાવતીએ એક ટ્વીટમાં લખ્યું- “મને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ મળ્યું છે, જેના માટે હું આભારી છું અને મારી શુભેચ્છાઓ પાઠવું છું પરંતુ કેટલાક કારણોસર આ કાર્યક્રમમાં હાજરી આપી શકીશ નહીં.”