Site icon Revoi.in

અમદાવાદમાં સરખેજ નજીક એક કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું

Social Share

અમદાવાદઃ શહેરમાંથી ડ્રગ્સ સહિત નશાકારક વસ્તુઓ પકડવાનો સીલસિલો ચાલુ છે, બુટલેડરો કે ડ્રગ્સના માફિયાઓ ડ્રગ્સનો જથ્થો ઘૂંસાડવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. તાજેતરમાં શહેરના વટવા વિસ્તારમાં ઓડીસાથી ટ્રકમાં લવાયેલો ગાંજાનો 200 કિલો જથ્થો પકડાયો હતો. ત્યારબાદ આજે શહેરના સરખેજ વિસ્તારમાંથી એક કરોડની કિંમતનો એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આશ્વર્યની બાબત તો એ છે, કે કારના ટાયરમાં ડ્રગ્સના પેકેટ છૂપાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કારનું ટાયર ખોલીને ટાયરમાંથી ટ્યુબ કાઢીને ટાયરમાં હાથ નાંખતાં ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા હતા. ડ્રગ્સ ઘૂંસાડવાની આ નવી તરકીબથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.

અમદાવાદ શહેરના વટવા GIDCમાંથી તાજેતરમાં જ 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ બનાવને હજુ 6 દિવસ જ થયા છે ત્યાં ફરીથી એક વખત શહેર ક્રાઈમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનો એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છૂપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. કારના ટાયરમાં ડ્રગ્સ છૂપાવેલું હતું. પોલીસે ટાયર ખોલી પહેલા ટ્યૂબ બહાર કાઢી હતી. બાદમાં અંદર ટાયર ફરતે હાથ ફેરવ્યો તો બે પેકેટમાં એક કરોડનું એક કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બે શખસોની ધરપકડ કરી છે. શહેરના યુવાનો એમડી ડ્રગ્સના વ્યસની બની રહ્યા છે. ત્યારે  ડ્રગ્સનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો. તેની પોલીસે તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓને રિમાન્ડ મેળવ્યા બાદ વધુ વિગતો ઓકાવાશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના કહેવા મુજબ સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ આગળ વધી ત્યારે બે શંકમદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી આ લોકો પાસે અંદાજે એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સામાન્ય રીતે આ એમડી ડ્રગ્સ મોટા જથ્થામાં લાવીને નાના નાના પેડલરો મારફતે અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. જેમાં યુવા અને હાઈ પ્રોફાઈલ લોકો પોતાની પાર્ટીમાં તેનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે આગામી સમયમાં નવરાત્રિ જેવા તહેવારો આવે છે અને આ સમયે એમડી ડ્રગ્સનો ઉપયોગ વધારે થતો હોય તેવી પણ શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓ પાસેથી અંદાજે એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડ જેટલી કિંમત થાય છે. સામાન્ય રીતે આ એમડી ડ્રગ્સ અલગ અલગ રૂટથી અમદાવાદ આવતું હોય છે. જેની પાછળ પણ અનેક કડીઓ જોડાયેલી હોય છે. હવે આના રૂટ અને કોણે ડિલિવરી મગાવી હતી તે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.