નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ ઘટનાની નોંધ લીધી છે. આગળ કહ્યુ છે કે ભારત એક લોકશાહી દેશ છે અને અમે આશા કરીએ છીએ કે અદાલતની સ્વતંત્રતા, માળખાગત લોકશાહી સિદ્ધાંતોથી સંબંધિત માપદંડોને આ મામલામાં પણ લાગુ કરવામાં આવશે. કેજરીવાલને નિષ્પક્ષ સુનાવણી કરવાનો પુરો અધિકાર છે.
હવે ભારતીય વિદેશ મંત્રાલયે જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કર્યા છે અને જર્મનીના આ નિવેદન પર આકરો વાંધો વ્યક્ત કર્યો છે.
દિલ્હી દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જો કે ઈડીએ કોર્ટ સમક્ષ દશ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ તપાસ એજન્સીને 6 દિવસના રિમાન્ડ મળ્યા છે. હવે કેજરીવાલને 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે હું રાજીનામું નહીં આપું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.