Site icon Revoi.in

પાલનપુરમાં બાળકોમાં ઓરી-અછબડાંનો વાવર, અંધશ્રદ્ધાને લીધે બાળકોને હોસ્પિટલ લઈ જવાતા નથી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આજકાલ બાળકોમાં ઓરી, અછબડાનો વાવર જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો  છેલ્લા બે માસથી 600 જેટલા બાળકો ઓરી,અછબડાના રોગચાળાના ભરડામાં સપડાયા છે. જોકે, મોટાભાગના બાળકોને પરિવારજનો ધાર્મિક માન્યતાના કારણે હોસ્પિટલ નહી પરંતુ નવ દિવસ ઘરે જ રાખી અંતિમ દિવસે માતાજીને નમાડવાની વિધી કરી રહ્યા છે. શહેરની સિવિલમાં હાલ ચાર જ બાળકો સારવાર હેઠળ છે.બાકીના ને ઘરે દેશી ઉપચાર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.જેમાં બાળકોને સ્નાન કરાવ્યા સિવાય શરીર પર માત્ર પાણી છાંટી શરીર પર સોનાનો દાગીનો બાંધી રાખવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુરના કોટ  વિસ્તારમાં ઓરી-અછબડાના વધુ કેસ જોવા મળી રહ્યા છે. કોટ વિસ્તારના એક કોર્પોરેટરના કહેવા મુજબ  છેલ્લા બે માસથી બાળકોમાં ઓરી- અછબડાનો ચેપ પ્રસર્યો છે. 600 જેટલા બાળકો ચેપગ્રસ્ત બન્યા છે. ઓરી-અછબડાનો ભોગ બનેલા બાળકોના વાલીઓ બાળકોને હોસ્પિટલ લઈ જતાં નથી કે  તેની દવા પણ લેતા નથી. ધાર્મિક માન્યતા મુજબ  નવ દિવસ પછી મહોલ્લાના બાળકોને દૂધ અને ચાવલનો પ્રસાદ આપે છે.  બાળકો હાથ ધોઇ પાણીના છાંટા બાળક ઉપર છાંટવામાં આવતા હોય છે. નવ દિવસ દરમિયાન તેના શરીર ઉપર સોનું બાંધી રાખી, સ્નાન નહી કરાવી, આ વિધી મોટાભાગના ચેપગ્રસ્ત બાળકોના માતા- પિતા કરતા હોય છે. માતાજી પધાર્યા હોઇ બાળકને નવ દિવસ ઘરમાં રાખવામાં આવે છે. આભડછેટ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. નવ દિવસે માતાજીની થાળી કરી બાળકને નમાડવામાં આવે છે. દરમિયાન શહેરના બ્લોક હેલ્થ અધિકારીના કહેવા મુજબ પાલનપુર શહેરમાં છેલ્લા બે માસથી ઓરીનો ચેપ જોવા મળી રહ્યો છે. જોકે, લોકો ધાર્મિક માન્યતામાં રાચતા હોવાથી ચેપગ્રસ્ત બાળકોને હોસ્પિટલ લાવતા નથી. ન નોંધાયેલા કેસ 600 જેટલા હોઇ શકે છે. ચાર માસથી સર્વે કરી સારવાર આપવામાં આવી રહી છે. બાળકોને ઘરગથ્થુ સારવાર ન આપી હોસ્પિટલે લાવવા જોતેમના માત-પિતાને સમજાવવામાં આવે છે. શહેરની સરકારી હોસ્પિટલમાં  એક માસ પહેલા દરરોજના ચારથી પાંચ કેસ આવતા હતા. અત્યારે દરરોજ ત્રણથી ચાર કેસ આવી રહ્યા છે.