Site icon Revoi.in

ગુજરાતમાં થોડા વિરામ બાદ મેધરાજાની બેટિંગ, 193 તાલુકામાં વરસાદ, પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. આજે સોમવારે બપોર સુધીમાં 182 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા 6 ઈંચ,  વિસનગરમાં 6 ઈંચથી વઘુ, મહેસાણા શહેરમાં સાડા 5 ઈંચથી વધુ, લૂણાવાડામાં સાડાચાર ઈંચ, અરવલ્લીના મોડાસામાં 4 ઈંચથી વધુ, વિજાપુર અને હિંમતનગરમાં 4 ઈંચ વરસાદ બપોર સુધીમાં પડ્યો હતો. આમ આજે સોમવારે બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ પડ્યો છે. હજુ પણ વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ અનુભવાય રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સોમંવારે સવારે 6 થી 10માં સાડા 5 ઈંચ ઇંચથી વધુ અને 10થી 12માં વધુ અડધો ઈંચ વરસાદ પડતા બપોર સુધીમાં સાડા 6  ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાડાચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઇંચ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ 10 તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 25 તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 10 કલાકની સ્થિતિએ તલોદ, હિંમતનગર, મેઘરજ તાલુકામાં ત્રણ – ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણા મળીને કુલ ચાર તાલુકામાં બે –બે ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત આજે તા.29 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. નડિયાદમાં ભારે વરસાદના કારણે માઈ મંદિર પાસે આવેલી તલાટી બાગની 15થી 20 ફુટની કંપાઉન્ડ વોલની દીવાલ એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત સંજેલી તાલુકાના હિરોલામા વહેલી સવારના ભારે વરસાદના પગલે કોઝવે તૂટ્યો હતો. હીરોલાના પાડીયા ફળીયાને જોડતો કોઝવે તૂટ્યો હતો. જેથી ગ્રામજનોને અવરજવર કરવામા ભારે મુશ્કેલી પડી રહી છે. દાહોદમાં ધોધમાર વરસાદથી ઐતિહાસિક છાબ તળાવ ઓવરફ્લો થયું છે. છાબ તળાવ ઓવરફ્લો થતાં રમણીય દ્દશ્યો સર્જાયા હતા.